Dummy scam: ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડ મામલે રોજેરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ગઈ કાલે ડમીકાંડ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ આજે વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત, સંજય સોલંકી,અને મહેશ ચૌહાણને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અન્ય 7 આરોપીઓ પૈકી 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ અને 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
વ્યાપક ડમીકાંડ અને તેની સાથે સામે આવેલા તોડકાર્ડ અંગે ગુજરાતના રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. રાજપૂત સમાજના આગેવાનોએ ગૃહરાજ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે યુવરાજસિંહ સામે દાખલ કરવામાં આવેલા ગુનાની ન્યાયિક તપાસ કરવામાં આવે. જે કોઈ કસૂરવાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ યુવરાજસિંહ કે યુવરાજસિંહના પરિવારને ખોટી રીતે હેરાનગતિ કરવામાં ના આવે. આ ઉપરાંત યુવરાજસિંહ જે ડમીકાંડ બહાર લાવ્યા તે અને ભૂતકાળમાં જેટલી પણ ગેરરીતિઓ બહાર લાવ્યા છે તે અંગેની પણ યોગ્ય તપાસ કરવામાં આવે.
બુધવારે 4 આરોપીની કરવામાં આવી હતી ધરપકડ
હાલમાં રાજ્યભરમાં ડમીકાંડને લઈને રાજકારણ ગરમાયું છે. ડમીકાંડ મામલે એસ.આઇ.ટીની ટીમ દ્વારા વધુ ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ડમીકાંડની ફરિયાદ એસઆઇટીની ટીમ દ્વારા નીચે મુજબના આરોપીઓને ઝડપી લીધા છે.
(૧) મહેશભાઇ રામજીભાઇ ચૌહાણ, ઉ.વ.૨૭, રહે. ગોંદરા વિસ્તાર, દિહોર, તા.તળાજા, જિ.ભાવનગર,
(૨) વિજયભાઇ ધુડાભાઇ જાંબુચા, ઉ.વ.૨૫, રહે. લાખણકા રોડ, કાતર વાડી વિસ્તાર, ખડસલીયા, તા.જિ.ભાવનગર,
(૩) રીયાજભાઇ કાદરભાઇ કાલાવડીયા જાતે.મેમણ ઉ.વ.૩૩ ધંધો.મજુરી રહે.સરતાનપર રોડ, એ-વન પાર્ક, બેંન્યાની સામે, તળાજા તા.તળાજા જી.ભાવનગર.
તોડકાંડમાં યુવરાજસિંહ વિરૂદ્ધ ભાવનગર જિલ્લામાં વધુ એક ગુનો નોંધાય તેવી શક્યતા
તોડકાંડમાં યુવરાજસિંહ વિરૂદ્ધ ભાવનગર જિલ્લામાં વધુ એક ગુનો નોંધાય તેવી શક્યતા છે. યુવરાજસિંહ વિરૂદ્ધ અપહરણ કરી ડમી વિદ્યાર્થીઓને ગોંધી રાખવાનો ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે યુવરાજસિંહના સાળા પાસેથી લાખોની રોકડ પણ રિક્વર કરવામાં આવી છે. જો કે હાલ તો નિલમબાગમાં નોંધાયેલી ફરિયાદ યુવરાજસિંહ હાલ પોલીસ રિમાન્ડ પર છે. યુવરાજસિંહ વિરૂદ્ધ પકડાયેલા આરોપીઓએ નિવેદનો નોંધાવ્યા છે.