ભાવનગર: અનેક કૌભાંડોમાં ઘેરાયેલા ભાવનગરમાં હવે એક નવું સરકારી શાળાનું લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. વાત પાલીતાણા તાલુકાની છે કે જ્યાં 10 થી વધુ પ્રાથમિક શાળામાં સરકારની વિવિધ યોજનામાં સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત આપવામાં આવતી ગ્રાન્ટમાં લાખો રૂપિયાની ઉચાપત બહાર આવી છે. 2018 થી 2020 દરમિયાન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સરકારી તપાસમાં બહાર આવ્યું છે. આમ છતાં પણ સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઇ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.


સરકાર શાળાઓને અપગ્રેડ અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ સુવિધા પૂરી પાડી શકે તે માટે વિવિધ યોજના અંતર્ગત ગ્રાન્ટ આપતી હોય છે જેમાં પાલીતાણા તાલુકામાં આવેલી અનેક ગ્રામ્ય કક્ષાની શાળામાં સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી. પરંતુ આ ગ્રાન્ટનો સદુપયોગ ના બદલે બારોબાર લાખો રૂપિયા ખવાઈ ચૂક્યા છે. જોકે આ સમગ્ર નેટવર્ક બહાર લાવનાર પણ પાલીતાણા તાલુકાના સરકારી શાળાના આચાર્ય છે જેમને સરકારને પત્ર લખીને આ બાબતે જાણ કરીને આ કૌભાંડને ઉજાગર કર્યું છે. 


જેમાં ગંભીર આક્ષેપો લગાવતા આચાર્યએ જણાવ્યું હતું કે પાલીતાણા તાલુકાની 18 પ્રાથમિક શાળા એવી છે કે જ્યાં સરકારની ગ્રાન્ટ એસટીપી વર્ગ, સીઝનલ હોસ્ટેલ અને ટ્રાન્સપોર્ટેશનની યોજનાના નામે વાપરવાના હતા પરંતુ આ ગ્રાન્ટમાંથી લાખો રૂપિયા બારોબાર ખવાય ગયા છે. જે સરકારના તપાસમાં પણ ખુલી ચૂક્યું છે આમ છતાં ભાવનગરના અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી. જોકે સરકારના રૂપિયાની ઉચાપદ બહાર આવ્યા બાદ ભાવનગરના ડીડીઓ દ્વારા ફરિયાદ કરવાના બદલે એક પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.


પાલીતાણા તાલુકાની 18 શાળામાં કૌભાંડ થયા હોવાની માહિતી સરકારી શાળાના આચાર્ય દ્વારા આપવામાં આવી હતી પરંતુ તેમાં ત્રણ વર્ષની તપાસમાં માત્ર દસ શાળાની તપાસ કરવામાં આવી છે. આ તપાસ ભાવનગરના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી જેનો રિપોર્ટ પણ ગાંધીનગર સુપ્રત કરવામાં આવ્યો છે. જેમાં પાલીતાણા તાલુકાની વીરપુર પ્રાથમિક શાળા,સગાપરા પ્રા શાળા,લુવારવાવ પ્રા શાળા,ઝવેરચંદ મેઘાણી પ્રા શાળા, સ્વામી વિવેકાનંદ પ્રા શાળા, જામવાળી-1 પ્રા શાળા, આદપુર પ્રા શાળા, જાળિયા કેન્દ્રવર્તી શાળા, દુધાળા પ્રા શાળા, કુંભણ કેન્દ્રવર્તી શાળા માં સરકારી ગ્રાન્ટ નો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું સરકારી તપાસ ના રિપોર્ટ માં ખુલાસો કરવામાં આવ્યો છે આ કૌભાંડમાં તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં થતા ભ્રસ્ટાચારમાં સરકારી શાળા ના આચાર્ય, ક્લસ્ટર ના સી.આર.સી, તાલુકાના બી.આર.સી તેમજ શાળા એસ.એમ.સી ની કમિટી ભ્રસ્ટાચારમાં શામીલ હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે.