Gujarat Weather Update: ભાવનગર જિલ્લાના દરીયામાં કરંટ જોવા મળતા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે વરસાદી માહોલ જામતા દરિયાના મોજા ઉછળી રહ્યા છે ઘોઘા, અલંગ, મહુવાના બંદરો પર વરસાદી આગાહી અને વાતાવરણમાં આવેલા પલટાને લઈ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. હાલમાં તંત્ર દ્વારા લોકોને સાવધાન રહેવા ચેતવવામાં આવ્યા છે.


 



ભાવનગર ઉપરાંત ઓખા બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન ખાતાની આગાહીને પગલે સિગ્નલ લગાવાયું છે.
હવામાન ખાતાના આગાહીને લઈને જાફરાબાદના દરીયા કીનારે એલર્ટ અપાયું છે. તારીખ 27/6/22 થી /1/7/22 સુઘી દરીયો ન ખેડવા સુચના અપાઈ છે. જાફરાબાદના દરીયા કીનારે ૩ નબંરનુ સીગ્નલ લગાવવામાં આવ્યુ છે. જાફરાબાદના દરીયામાં હાલ કરન્ટ જોવા મળ્યો છે. જાફરાબાદના દરીયામાં મોટા મોજા ઉછળી રહ્યા છે.


જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી
ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરત,નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


તાપી,ડાંગમાં આજના દિવસે ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર,ભાવનગર,અમરેલી,કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ  પડશે. આગામી 1 જૂલાઇથી ભારે વરસા ની આગાહી છે. રથયાત્રામાં 1 જૂલાઇએ અનેક શહેરોમાં અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.


શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક


ભાવનગર જિલ્લાના જીવા દોરી સમાન એવા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે બે હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. અમરેલી અને ગીર પંથકમાં સારા વરસાદથી ભાવનગર વાસીઓને પીવાના પાણીમાં થશે ફાયદો તો ખેડૂતોને પણ સિંચાઈ માટેનો લાભ મળશે. શેત્રુંજી ડેમમાં પાણીની આવકને પગલે ભાવનગર વાસીઓમાં હર્ષની હેલી જોવા મળી.


સાવલી તાલુકામાં વરસાદની એન્ટ્રીથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર


વડોદરાના સાવલી તાલુકામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. સાવલી તાલુકામાં વરસાદની એન્ટ્રી થતાં નગરજનોએ અસહ્ય પડતી ગરમીથી હાશકારો અનુભવ્યો છે. સાવલી તાલુકામાં વરસાદની એન્ટ્રી થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે. દાહોદના ધાનપુર તાલુકાની ડુંમકા ગામની વેડવા નદીમાં નવા નીરની આવક થઈ છે. ગઈકાલે પડેલા વરસાદથી ડુમકા ગામની વેડવા નદીમાંથી કોઝવે પર પાણી વહેતુ થયું હતું.