ભાવનગર: ભાવનગરના ખૂબ જ ચર્ચિત નવનીત બાલધિયા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે.  આ કેસમાં પીડિતના હુમલાના આરોપ વચ્ચે માયાભાઈ આહીરના દિકરા જયરાજ આહિરને SITએ પૂછપરછ માટે બોલાવ્યા છે.    સમગ્ર કેસમાં જયરાજ આહિર પર હુમલાના આરોપ લાગતા SITએ તેમને આજે સાંજે પૂછપરછ માટે બોલાવ્યા છે. 

Continues below advertisement

આ ચકચારી હુમલાનો ભોગ બનેલા નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલામાં માયાભાઈ આહીરના દિકરા જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ જેટલા શખ્સોએ 29 ડિસેમ્બર 2025ના રોજ હુમલો કર્યો હતો. 

હાઈપ્રોફાઈલ કેસની તપાસ SIT કરી રહી છે

Continues below advertisement

આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ હાલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ચલાવવામાં આવી રહી છે. સોમવારે બગદાણા પોલીસ સ્ટેશનના PI અને SIT ની ટીમ ફરિયાદી નવનીત બાલધિયાને લઈને ભાવનગર રેન્જ આઈજી (Range IG) કચેરી ખાતે પહોંચી હતી. અહીં SIT સમક્ષ નવનીત બાલધિયાનું વિશેષ નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 

શું છે સમગ્ર કેસ

આ સમગ્ર વિવાદના મૂળમાં એક ભજનનો કાર્યક્રમ અને ત્યાર બાદ વાયરલ થયેલો એક વીડિયો રહેલો છે. ગત 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલીમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ જાહેરાત કરતી વખતે યોગેશભાઈ સાગર માટે 'મેનેજિંગ ટ્રસ્ટી' શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતા બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીતભાઈએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી હતી કે, "બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા માત્ર ટ્રસ્ટીઓ જ છે." સત્ય સમજાયા બાદ માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગતો એક વીડિયો નવનીતભાઈને મોકલ્યો હતો જે પાછળથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

નવનીતભાઈના આક્ષેપ મુજબ, માયાભાઈનો આ ખુલાસા અને માફીવાળો વીડિયો વાયરલ થયા બાદ જ તેમની સામે કિન્નાખોરી રાખવામાં આવી હતી. વિવાદ વકરતા તેમને મળવાના બહાને ફોન કરવામાં આવ્યા હતા અને રાત્રિના સમયે જ્યારે તેઓ બહાર હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એક વર્ના કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ નવનીતભાઈનું ટ્રેક્ટર અટકાવી, ચાવી આંચકી લીધી હતી અને "તું રેકી કેમ કરે છે?" તેમ કહીને ધોકા અને પાઈપ વડે માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન બીજી સ્વિફ્ટ કારમાં અન્ય 4 શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે પણ નિર્દયતાથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં નવનીતભાઈને હાથ અને પગમાં ગંભીર ફ્રેક્ચર થયા હતા. જ્યારે હુમલાખોરોએ તેમના 2 મોબાઈલ ફોન અને બાઈકને પણ તોડી નાખ્યું હતું.