ભાવનગર:  પાલીતાણા શેત્રુંજી પર્વત પર ચાલી રહેલા વિવાદને દેશભરમાંથી જૈન સમાજના લોકો એકઠા થઈ રહ્યા છે. બેંગ્લોર, મહારાષ્ટ્ર, ચેન્નાઈ, કર્ણાટક સહિતના રાજ્યમાંથી જૈન સમુદાયના લોકો ભાવનગર આવી રહ્યા છે. હિન્દુ સમાજના બે સમુદાય વચ્ચે શેત્રુંજી પર્વત પર સૂરજ કુંડ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરને લઈ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે. આજે 20,000 થી વધુ જૈન સમુદાયના લોકો એકઠા થઈને મૌન રેલી સ્વરૂપે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવશે. તમને જણાવી દઈએ કે, પાલીતાણા શેત્રુંજી પર્વત જૈન સમાજ માટે સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર રહેલું છે. દેશભરમાંથી પરિક્રમા માટે ભક્તો આવતા હોય છે.


પાલીતાણા ખાતે વિશાળ રેલી યોજાઈ


તો બીજી તરફ આજે પાલીતાણા ખાતે વિશાળ રેલી યોજાવાની છે. આ રૈલી શત્રુંજય ગિરિરાજની તળેટીથી કલેક્ટર કચેરીએ પહોંચશે. શત્રુંજય ગિરિરાજની પર્વતની તળેટીએ આતંક મચાવનારા, માઇનિંગ કરનારા, દારૃના અડ્ડા ચલાવનારા સામે તાકીદે પગલા લેવા આવેદનપત્ર આપશે. શ્રી શત્રુંજય મહાતીર્થ રક્ષા સમિતિએ જણાવ્યું છે કે, '૧૫ ડિસેમ્બરના ગિરિરાજ ઉપર ગેરકાયદેસર મંડળી રચી, દાદાગીરીપૂર્વક ભય અને ડરનું વાતાવરણ ઉભું કરીને સીસીટીવી, થાંભલા આદિની તોડફોડ કરી આતંક મચાવવાનું કૃત્ય તોફાની તત્વોએ આચર્યું હતું.  


વારંવાર માહિતગાર કરવા છતાં કોઈ પણ એક્શન લેવાયા નથી


આ ઉપરાંત સરકારને છેલ્લા દોઢ મહિના દરમિયાન અમુક અસામાજીક તત્વો જે જૈન ધર્મ વિષય જાહેરમાં ઝેર ઓકી રહ્યા છે એ વિષયમાં અનેક લોકો દ્વારા વારંવાર માહિતગાર કરવા છતાં કોઈ પણ એક્શન લેવાયા નથી. હાલ શંકાની સોય એ તત્વો પર પણ જવી સ્વાભાવિક છે. ગિરિરાજ ઉપરની અને આજુ બાજુની સરકારની જમીનો ઉપર ગેરકાયદેસર કબ્જો કરનારા તથા શેત્રુંજય ગિરિરાજ ઉપર ગેરકાયદેસર માઈનિંગ કરનારા અસામાજિક તત્ત્વો બેફામ રીતે પોતાની આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ બેફામ ચાલુ રાખી શકે તે માટે એક ભયનું સામ્રાજ્ય ઉભું કરવા માટે પણ તેઓ દ્વારા આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય તે માનવા માટે પુરતા કારણો દેખાઈ આવે છે.'


અમદાવાદના તમામ સંઘોની અને યુવક મંડળોની બેઠકનું આયોજન 


આ ઉપરાંત અમદાવાદના તમામ સંઘોની અને યુવક મંડળોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિશાળ જન સંખ્યામાં શ્રી સંઘના ટ્રસ્ટીઓ, યુવાનો અને જૈન આગેવાન શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા.  શ્રી રાજનગરના તમામ સંઘો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આ મુખ્ય ૧૦ રજૂઆત ઉપર સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં ન આવે તો વિશાળ જનસંખ્યામાં આવતા રવિવાર ૨૫ ડિસેમ્બરના રોજ રેલીનું આયોજન કરવાનું નક્કી થયું છે. ઉલ્લેખનીય છે કે સુરત, મુંબઈ, બેંગલોર, ચેન્નઈ, રાજકોટ, જામનગર વિગેરે ભારતભરના અનેક જૈન સંઘો દ્વારા રાજનગર અમદાવાદના સંઘમાં જે નિર્ણય કરવામાં આવે તે મુજબ આગળ વધવાનું સમર્થન અપાયું છે.