ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ભાવનગરમાં ભાજપથી નારાજ ગોહિલવાડ રાજપૂત સમાજનું ભવ્ય મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં જેમાં 3000 થી વધુ મહિલાઓએ હાજરી આપી હતી. સમાજ દ્વારા જાહેરમાં કોંગ્રેસને સમર્થન આપી જીતનો વિશ્વાસ અપાવ્યો હતો. જીતુ વાઘાણીના ગઢમાં સંમેલન યોજાતા વિધાનસભા બેઠકના સમીકરણો બદલાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


ભાવનગર શહેર અને જિલ્લામાં ગોહિલવાડ રાજપુત સમાજ દ્વારા વક્તોવખત મહાસંમેલન યોજીને દરેક પક્ષ પાસે ટિકિટની માંગ કરી હતી પરંતુ ભાજપ પક્ષ દ્વારા ક્ષત્રિય સમાજને નારાજ કરી ભાવનગરની સાત વિધાનસભા બેઠક પરથી એક પણ ટિકિટ ન ફળવતા સમાજ આકરા પાણીએ ભાજપ વિરોધી પ્રચાર કરી રહ્યો છે. આજે શહેરના પ્રેસ કોટર ખાતે ગોહિલવાડ મહિલા રાજપૂત સમાજ દ્વારા આયોજિત સામાજિક જાગરણ સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને પશ્ચિમ વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ કુંભાજી ગોહિલને સમર્થન આપી તેમને જીત અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અગાઉ પણ સમાજ દ્વારા અનેક વખત પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજકીય પક્ષના હાઈ કમાન્ડ સાથે ટિકિટ ફાળવવા માટે વાત થઈ હતી પરંતુ ભાવનગરમાં ભાજપે એક પણ ટિકિટના ફાળવીને ક્ષત્રિય સમાજને નારાજ કર્યો છે.


ભાવનગર શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજની કુલ અઢીથી ત્રણ લાખની વસ્તી છે. જે કોઈપણ પક્ષના સમીકરણો ફેરવી શકે તેમ છે. ભાવનગર પશ્ચિમમાં આજે જે સંમેલન યોજાયું હતું તેમાં ભાજપના જીતુ વાઘાણી અને કોંગ્રેસના કે.કે ગોહિલ વચ્ચે આ બેઠક પર સીધી જ ફાઇટ છે. ત્યારે વિધાનસભા ઇલેક્શનને ગણતરીના દિવસો બાકી રહેતા ક્ષત્રિય સમાજનો ભવ્ય મહિલા સંમેલન સફળ થતા ભાજપના પગ નીચે જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે.


સીઆર પાટીલનું પણ ન માન્યા મધુ શ્રીવાસ્તવ


 આ વર્ષે ટિકિટોની જાહેરાત બાદ ભાજપમાં પણ નારાજગી વધુ જોવા મળી રહી છે. જેને લઈને મોવડીમંડળ પર ચિતિંત છે. હવે હાઈકમાન્ડ પણ તેને ડેમેજ કંટ્રોલ કરવામાં લાગી ગયું છે. જોકે બધી જગ્યાએ તેમને સફળતા મળી રહી હોય તેમ લાગતું નથી. આ કડીમાં વડોદરા ભાજપમાં ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કરજણના નારાજ સતીશ પટેલ માની ગયા છે તો  સી.આર.પાટીલે એરપોર્ટ પર મધુ શ્રીવાસ્તવ સાથે બેઠક કરી કરી હતી. જો કે એવી વાત સામે આવી રહી છે કે, મધુ શ્રીવાસ્તવ સી.આર.પાટીલનું પણ માન્યા નથી. મધુ શ્રીવાસ્તવ આવતીકાલે વાઘોડિયા બેઠકથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવી વાત સામે આવી છે.


ભાજપે વધુ ત્રણ ઉમેદવાર જાહેર કર્યા


ગુજરાત ચૂંટણીને લઈ ભાજપે 182 બેઠકમાંથી 181 ઉમેદવારો જાહેર કરી દીધા છે. આજે ભાજપે ત્રણ ઉમેદવાર જાહેર કર્યા છે. માંજલપુરના ઉમેદવાર જાહેર થયા નથી. ગરબાડા, ખેરાલુ, માણસા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે.


કોને મળી ટિકિટ


માણસાથી જયંતિ પટેલ, ગરબાડાથી મહેંદ્ર ભાભોર અને ખેરાલુથી સરદારસિંહ ચૌધરીને ટિકિટ મળી છે. વડોદરાની માંજલપુર બેઠકનું કોકડું હજુ ઉકેલાયું નથી.


ચૂંટણી લડવા આ લોકોના અભરખાં રહ્યા અધૂરા


ખેરાલુથી ચૂંટણી લડવાના જયરાજસિંહ પરમારના અભરખા અધૂરા રહ્યા છે. માણસાથી અમિત ચૌધરીને ટિકિટ મળી નથી. ખેરાલુ બેઠક પર રેખા ચૌધરીનું નામ પણ ચર્ચામાં હતું. ખેરાલુ બેઠક પર 2017માં પેટા ચૂંટણીમાં જીતનારા અજમલજી ઠાકોરની પણ ટિકિટ કપાઈ છે.