ભાવનગર: અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં લોખંડની પ્લેટ પડતા દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર તળાજા તાલુકાના મીઠી વિરડી ગામના આધેડનું પ્લેટ પડતા મોત નિપજ્યું છે. મૃતકનું નામ ધરમશીભાઈ ઘુસાભાઇ દિહોરા હતું. હાલમાં મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.


તો બીજી તરફ મૃતકના આધેડના પરિવાર વિશે વાત કરીએ તો તેમને સંતાનમાં ચાર નાના નાના બાળકો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા મરીન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ધરમશીભાઈના મોતને પગલે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આધેડના મોતને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.


અમદાવાદ શહેરમાં ઔદ્યોગિક એકમોમાં લાપરવાહીના કારણે શ્રમિકોએ જીવ ગુમાવ્યાની સતત ઘટના બનતી રહે છે.  છેલ્લા 2 વર્ષમાં  શહેરમાં 30 દુર્ઘટનામાં 30 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે સરકારે ઔધોગિક એકમોમાં દુર્ઘટના અટકાવવા સેફ્ટી સેમિનારનું આયોજન કર્યું  છે. 2022માં 18 દુર્ધટનામાં 18 શ્રમિકોના મોત નિપજ્યા છે. 2023 માં 12 અકસ્માતમાં 12 શ્રમિકોએ જીવ ગૂમાવ્યાં,2022માં 16 એકમો સામે 77 ફોજદારી કેસ દાખલ થયા છે. 2023માં 11 એકમો સામે 11 ફોજદારી કેસ દાખલ થયા છે. ખેડા જિલ્લામાં એક વર્ષમાં 2 દુર્ઘટનામાં 2 શ્રમિકોના મોત થયા છે. જે પૈકી 1 એકમ સામે કેસ દાખલ કર્યો જ્યારે બીજામાં મૃત્યુના કારણ ની તપાસ ચાલુ છે.  આ આંકડાને ગંભીરતાથી લેતા આખરે સરકારે ઔધોગિક એકમોમાં દુર્ઘટના અટકાવવા સેફ્ટી સેમિનારનું આયોજન કર્યું છે.                              


આ તો માત્ર અમદાવાદ શહેરના આંકડા છે. જો કે અમદાવાદ શહેર સિવાયના ઔધોગિક એકમોમાં સેફ્ટી પ્રત્યેની બેદરકારીના કારણે અનેક શ્રમિકોને જિંદગીથી હાથ ધોવાનો વારો આવે છે. 2 દિવસ પહેલા જ ભાવનગર શહેરમાં પ્લાસ્ટિક ના કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત થયું હતું. બિહારના 24 વર્ષીય શ્રમિક નીરજકુમાર નામના યુવાનનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા  મોત નિપજ્યું હતું. શહેરના જુના બંદર વિસ્તારમાં આવેલ અંબિકા પ્લાસ્ટિકના કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા શ્રમિક  મોતને ભેટયો હતો. મૃતક યુવાન ને પી.એમ માટે શહેર ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ગાજળિયા પોલીસ એ હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


સુરત ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ચણતર દિવાલ તૂટી પડતા શ્રમિકનું મોત થયું હતું.  શ્રમિકના મોત બાદ સફાળે જાગેલી પાલિકાની ટીમને બ્રહ્મજ્ઞાન થયું અને  ડિમોલિશનની કામગીરી બતાવી પાલિકાએ સંતોષ માન્યો.ઘટનામાં ચાર શ્રમિકો ચણતર દીવાલ ઘસી પાડવાના કારણે ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. ચાર ઇજાગ્રસ્તો પૈકીના ચંદુ સંગાડા નામના શ્રમિકનું ઘટનામાં મોત થયું હતું.જ્યારે અન્ય ત્રણ હાલ પણ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલકરવામાં આવ્યા હતા.  ઉધના પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.