Rajasthan Election:રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે બંને વિજય માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. બંને પક્ષે ચૂંટણીના પ્રચાર માટે તમામ તાકાત લગાવી દીધી છે. 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજસ્થાન જશે
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય હાંસિલ કરવા માટે કોંગ્રેસની સાથે ભાજપ પણ સતત મહેનત કરી રહી છે. ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ચૂંટણીના પ્રચાર માટે રાજસ્થાન જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ત્રણ દિવસીય રાજસ્થાન ચૂંટણીલક્ષી પ્રવાસ છે. આ દરમિયાન તેઓ રાજસ્થાનના કોટમાં પ્રચાર કરશે. 17,18 અને 19 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ તેઓ રાજસ્થાનમાં ચૂંટણી માટે પ્રચાર કરશે.
ઉલ્લેખનિય છે કે, આ વર્ષના અંતમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો આ ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. ભાજપ માટે, સ્થાનિક નેતાઓ તેમજ રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે અને રાજસ્થાનની ગેહલોત સરકારને ઘેરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી સીએમ અશોક ગેહલોત સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ અને રાજ્ય સ્તરના નેતાઓ રાજ્યમાં કોંગ્રેસ સરકારને રિપીટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવા સમયે જ્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલુ છે. આ દરમિયાન રાજસ્થાન ચૂંટણીને લઈને એક સર્વે બહાર આવ્યો છે.
ખરેખર, આ સર્વે IANS-પોલસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો છે. સર્વે મુજબ ગેહલોત સરકાર ફરી એકવાર રાજસ્થાન પરત ફરી શકે છે. આઈએએનએસ-પોલસ્ટ્રેટે આ ઓપિનિયન પોલમાં 6705 લોકોને સામેલ કર્યા હતા. સર્વે મુજબ રાજસ્થાનમાં 200 સીટોમાંથી કોંગ્રેસને 101 સીટો મળી શકે છે. જ્યારે ભાજપને 92 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. સર્વે મુજબ કોંગ્રેસને 97થી 105 અને ભાજપને 89થી 97 બેઠકો મળી શકે છે.
'મુખ્યમંત્રી તરીકે ગેહલોત લોકોની પહેલી પસંદ'
રાજસ્થાનના વર્તમાન સીએમ અશોક ગેહલોત રાજ્યના 38 ટકા લોકોની પહેલી પસંદ છે. જ્યારે 26 ટકા લોકોએ રાજ્યના પૂર્વ સીએમ વસુંધરા રાજેને પોતાના ફેવરિટ ગણાવ્યા છે. આ સિવાય કોંગ્રેસના નેતા સચિન પાયલટ 25 ટકા લોકોની પહેલી પસંદ છે. કોંગ્રેસ માટે સૌથી સારા સમાચાર એ છે કે 48 ટકા લોકોએ ગેહલોત સરકારના કામને સારું ગણાવ્યું છે.
ભાજપનો વોટ શેર વધી શકે છે
સર્વે અનુસાર, આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 40 ટકા વોટ મળી શકે છે, જ્યારે 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 39 ટકા વોટ મળ્યા હતા, એટલે કે આ ચૂંટણીમાં ભાજપની વોટ ટકાવારીમાં એક ટકાનો વધારો થઈ શકે છે.