Nipah Virus News: કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કેસ સામે આવ્યા બાદથી ભયનું વાતાવરણ છે. નિપાહ વાયરસને જોતા કોઝિકોડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ આગામી રવિવાર એટલે કે 24 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે. આમાં શાળાઓ, વ્યાવસાયિક કોલેજો અને ટ્યુશન કેન્દ્રોનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે આખા અઠવાડિયા દરમિયાન તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઓનલાઈન વર્ગો લઇ શકાશે.


 સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે શુક્રવારે કહ્યું કે, હાલમાં નિપાહ વાયરસથી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની યાદી 1080 પર પહોંચી ગઈ છે. તેમાંથી 130 લોકો એવા છે જેમને શુક્રવારે જ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. તમામ 1080 લોકોમાંથી 327 લોકો આરોગ્ય કર્મચારીઓ છે. સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે, અન્ય જિલ્લાઓમાં કુલ 29 લોકો નિપાહ સંક્રમિત લોકોની સંપર્ક યાદીમાં છે. તેમાંથી 22 મલપ્પુરમના, એક વાયનાડના અને ત્રણ-ત્રણ કન્નુર અને થ્રિસુરના છે.


 કેરળમાં અત્યાર સુધી નિપાહના 6 કેસ


હાઇ રિસ્ક કેટેગરીમાં  175 લોકો છે. જે  સામાન્ય નાગરિકો છે, જ્યારે 122 આરોગ્યકર્મી છે. સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ કહ્યું છે કે કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ લોકોની સંખ્યા વધી શકે છે. તેમનું કહેવું છે કે 30 ઓગસ્ટે જીવ ગુમાવનાર વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના કારણે ભય અને ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નિપાહ વાયરસના છ કેસ નોંધાયા છે. કેરળમાં સામે આવેલા આ વાયરસના કારણે ભયનું વાતાવરણ છે.


ન્યૂઝ એજન્સી ANI અનુસાર, 30 ઓગસ્ટે જીવ ગુમાવનાર વ્યક્તિના અંતિમ સંસ્કારમાં ઓછામાં ઓછા 17 લોકો સામેલ થયા હતા. આ તમામ લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. નિપાહ વાયરસથી સંક્રમિત ચાર લોકો છે, જેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


નિપાહ કેસની સારવાર કરતી તમામ હોસ્પિટલોને મેડિકલ બોર્ડ બનાવવાની સલાહ આપવામાં આવી છે. આ બોર્ડની બેઠક દિવસમાં બે વખત મળશે. આ પછી તૈયાર થયેલો રિપોર્ટ આરોગ્ય વિભાગને સોંપવા જણાવાયું છે. જિલ્લા કલેક્ટરે રાજ્યના 'ચેપી રોગ નિયંત્રણ પ્રોટોકોલ'ના આધારે આ સંદર્ભે આદેશો જાહેર કર્યો છે.