રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા દેશમાં ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી 2000 રૂપિયાની ચલણી નોટોને લઈને એક મોટું અપડેટ આપવામાં આવ્યું છે. આ ચલણી નોટો ગયા વર્ષે મે મહિનામાં ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી બજારમાં રહેલી 100 ટકા નોટો પરત આવી નથી. 1લી જુલાઈ 2024ના રોજ આ સંબંધમાં વિગતો શેર કરતી વખતે જુલાઈના પ્રથમ દિવસે આરબીઆઈએ જણાવ્યું હતું કે દેશમાં હજુ પણ લોકો પાસે  7000 કરોડથી વધુની કિંમતની 2000 રૂપિયાની નોટ છે.


બજારમાં હજુ પણ બચ્યા છે 7581 કરોડ રૂપિયા


પીટીઆઈના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બેન્ક દ્વારા સોમવારે 2000 રૂપિયાની નોટ પરત કરવા પર આપવામાં આવેલા આંકડા અનુસાર, આ ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાયા બાદ અત્યાર સુધીમાં માત્ર 97.87 ટકા નોટો જ બેંકિંગ પ્રક્રિયામાં પરત આવી છે જ્યારે 2.13 ટકા નોટ લોકો પાસે છે. આ બે ટકાથી વધુ નોટની કિંમત 7,581 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.


ગયા વર્ષે 19 મે, 2023ના રોજ જ્યારે ભારતીય રિઝર્વ બેન્કે ચલણમાંથી 2,000 રૂપિયાની ચલણી નોટ પરત ખેંચવાની જાહેરાત કરી હતી ત્યારે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની કુલ 2,000ની નોટ હતી જ્યારે 29 ડિસેમ્બર, 2023ના રોજ આ આંકડો ઘટીને માત્ર 9,330 કરોડ થયો હતો. આ પછી નોટો પાછી ખેંચવાની ગતિ થોડી ધીમી પડી અને હજુ 7,581 કરોડ રૂપિયાની નોટ પરત આવી નથી


ક્લીન નોટ પોલિસી હેઠળ કરાઇ બંધ


ક્લીન નોટ પોલિસી હેઠળ રિઝર્વ બેન્કે 19 મે 2023ના રોજ દેશમાં ચલણમાં રહેલી આ સૌથી વધુ કિંમતની 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી કેન્દ્રીય બેન્કે સ્થાનિક બેન્કો અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં આ નોટ પરત કરવા અને એક્સચેન્જ કરવા માટે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જો કે ત્યારબાદ આ સમયમર્યાદા સતત લંબાતી રહી છે.


તમે હજુ પણ 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકો છો


તમે હજુ પણ બે હજાર રૂપિયાની ચલણી નોટ જમા કરાવી શકો છો. જોકે સ્થાનિક બેન્કોમાં આ કામ શક્ય નહીં બને. કેન્દ્રીય બેન્કે સ્પષ્ટતા કરી છે કે ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ નોટ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ જેવી 19 RBI ઓફિસમાં જમા કરવામાં આવશે.  ઉપરાંત, લોકો આ નોટો તેમની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા ઈન્ડિયા પોસ્ટ દ્વારા જમા કરાવી શકે છે.