7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓને સરકાર ટૂંક સમયમાં ભેટ આપી શકે છે. સરકાર આગામી સપ્તાહ દરમિયાન કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. કર્મચારીઓ તેમના DA વધારાની રાહ જોઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 15 માર્ચે કેબિનેટની બેઠક યોજાવાની છે. માનવામાં આવે છે કે બેઠક દરમિયાન સરકાર DAમાં વધારા અંગે નિર્ણય લઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.


પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ડીએ વધશે


સરકાર દર છ મહિને કર્મચારીઓના ડીએમાં વધારો કરે છે. હાલમાં પ્રથમ અર્ધવાર્ષિક (જાન્યુઆરી-જૂન 2023) માટે વધારાની જાહેરાત થવાની છે. આ સાથે કેન્દ્ર સરકારના પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) પણ વધારી શકાય છે. કર્મચારી સંગઠનો 4% DA/DR વધારાની અપેક્ષા રાખે છે. જો આમ થશે તો તેમનું મોંઘવારી ભથ્થું 38 ટકાથી વધીને 42 ટકા થઈ જશે અને કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળશે.


લાખો કર્મચારીઓને લાભ મળશે


જો સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લે છે તો તેનાથી લગભગ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 63 લાખ પેન્શનરોને ફાયદો થશે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે જાન્યુઆરીની શરૂઆતથી જુલાઈના અંત સુધી ડીએ/ડીઆર વધારવાનો નિયમ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી તેમાં વિલંબ થયો છે. છેલ્લા અર્ધ વર્ષમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કર્યો હતો. આ પછી કર્મચારીઓનું ડીએ 34 ટકાથી વધારીને 38 ટકા કરવામાં આવ્યું હતું.


ડીએ કેટલો વધી શકે?


મોંઘવારી ભથ્થું (DA)એ સરકારી કર્મચારીઓના પગાર માળખાનો એક ભાગ છે. સરકાર દર છ મહિને ડીએમાં ફેરફાર કરે છે. મોંઘવારી દરને જોતા કેન્દ્ર સરકાર કર્મચારીઓના ડીએમાં વધારો કરે છે. મોંઘવારી જેટલી વધારે છે, ડીએમાં વધારો વધારે છે. કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો કરી શકે છે. આ રીતે કર્મચારીઓનું ડીએ 38 ટકાથી વધીને 42 ટકા થશે.


કેટલો વધશે પગાર?


જો આપણે પગાર પર નજર કરીએ તો જો કેન્દ્રીય કર્મચારીનો મૂળ પગાર 1,8000 રૂપિયા છે. તો 38 ટકાના હિસાબે 6,840 રૂપિયાનું મોંઘવારી ભથ્થું બને છે. બીજી તરફ જો આ DA 42 ટકા થઈ જાય તો કર્મચારીનું DA વધીને 7,560 રૂપિયા થઈ જશે. જો આપણે મહત્તમ મૂળભૂત પગાર પર નજર કરીએ તો 56,000 રૂપિયાના આધારે મોંઘવારી ભથ્થું 21,280 રૂપિયા થાય છે. હવે જો ચાર ટકાના વધારાના હિસાબે જોવામાં આવે તો તે રૂ.23,520 પર પહોંચી જશે. આ કિસ્સામાં લઘુત્તમ મૂળભૂત પગાર ધરાવતા કર્મચારીઓને દર મહિને 720 રૂપિયા અને વાર્ષિક 8,640 રૂપિયાનો લાભ મળશે.