Income Tax Refund: ઇન્કમ ટેક્સ ભરવાની પ્રક્રિયામાં નોંધપાત્ર સુધારો થયો છે. એ દિવસો પણ ગયા જ્યારે લોકો તેમના આવકવેરા રિટર્ન માટે મહિનાઓ સુધી રાહ જોતા હતા. કંપનીઓ અને લોકોનું કહેવું છે કે સરકારના પ્રયાસોને કારણે આવકવેરા રિટર્ન ભરવાનો સમય ઓછો થયો છે. CII દ્ધારા કરવામાં આવેલા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે 87 ટકા લોકો અને 89 ટકા કંપનીઓ માને છે કે 5 વર્ષમાં રિફંડ મેળવવામાં વિલંબમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સર્વેમાં લગભગ 3500 લોકોનો મત જાણવામા આવ્યો હતો                 


સર્વે શું કહે છે?


સીઆઇઆઇએનો સર્વે રિપોર્ટ નાણામંત્રી નિર્મલા સીતારમણને સોંપવામાં આવ્યો હતો. આ મુજબ, લગભગ 87 ટકા વ્યક્તિઓ અને 89 ટકા કંપનીઓનું માનવું છે કે ટેક્સ રિફંડની તપાસની પ્રક્રિયા હવે વધુ સારી અને ઝડપી બની છે. ઉપરાંત, 75.5 ટકા વ્યક્તિઓ અને 22.4 ટકા કંપનીઓએ તેમની અંદાજિત કર જવાબદારી કરતાં વધુ TDS ચૂકવવાની જરૂર નથી.        


આવકવેરા રિફંડની પ્રક્રિયા બની સરળ


CIIના પ્રમુખ આર દિનેશે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં નાણા મંત્રાલય દ્વારા કર પ્રણાલીને સુવ્યવસ્થિત, સરળ અને સ્વયંસંચાલિત કરવા માટે લેવામાં આવેલા પગલાંથી ઘણો ફાયદો થયો છે. CII સર્વેમાં પણ આ જ પરિણામો આવ્યા છે. સર્વેમાં સામેલ 87 ટકા વ્યક્તિઓ અને 89 ટકા કંપનીઓને લાગે છે કે આવકવેરા રિફંડ હવે સરળ પ્રક્રિયા બની ગઈ છે. લગભગ 53 ટકા લોકોએ કહ્યું કે હવે આવકવેરા રિફંડ મેળવવામાં એક મહિનાથી ઓછો સમય લાગે છે. લગભગ 48 ટકા લોકો માટે તે એકથી ત્રણ મહિનાનો સમય લે છે. આ પગલાંથી લોકો અને કંપનીઓનો આવકવેરા વિભાગમાં વિશ્વાસ વધ્યો છે.                     


આવકવેરો ભરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે 


CII અનુસાર, 2018 અને 2023 વચ્ચે રિફંડ મેળવવાના સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે આવકવેરો ભરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ રિફંડ મેળવવાની પ્રક્રિયાને સરળ અને કાર્યક્ષમ બનાવવાના સરકારના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. CII એ ઓક્ટોબર 2023માં આ સર્વે હાથ ધર્યો હતો, જેમાં વિવિધ રાજ્યોમાંથી 56.4 ટકા વ્યક્તિઓ અને 43.6 ટકા કંપનીઓ/ઉદ્યોગો/સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.