8th Pay Commission update: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોની નજર હાલ 8મા પગાર પંચ (8th CPC) પર મંડાયેલી છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે શું 1 જાન્યુઆરી, 2026 થી નવા પગાર પંચનો લાભ મળવાનું શરૂ થશે? અને શું એરિયર્સ (બાકી રકમ) પણ આ તારીખથી જમા થશે? સંસદમાં થયેલી તાજેતરની ચર્ચા અને ભૂતકાળના આંકડાઓ પરથી કર્મચારીઓને મોટી આશા જાગી છે. જાણો સરકારની તૈયારીઓ અને એરિયર્સ અંગેનું સંપૂર્ણ ગણિત.

Continues below advertisement

સંસદમાં સરકારે શું સ્પષ્ટતા કરી?

તાજેતરમાં લોકસભા સત્ર દરમિયાન 8મા પગાર પંચના અમલીકરણ અંગે ચાર સાંસદોએ નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીને સીધા સવાલો પૂછ્યા હતા. જોકે, મંત્રીએ કોઈ ચોક્કસ તારીખની જાહેરાત કરી નથી, પરંતુ તેમણે મહત્વનો સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર 8મા પગાર પંચની ભલામણોને લાગુ કરવા માટે યોગ્ય સંસાધનો અને ભંડોળ એકત્રિત કરવાની દિશામાં કામ કરી રહી છે. અમલીકરણની ચોક્કસ તારીખ રિપોર્ટ આવ્યા બાદ નક્કી કરવામાં આવશે.

Continues below advertisement

શું 1 જાન્યુઆરી, 2026 થી એરિયર્સ મળશે? જૂનો ઈતિહાસ શું કહે છે?

કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે પગાર પંચ ભલે ગમે ત્યારે લાગુ થાય, પણ તેનો લાભ 1 જાન્યુઆરી, 2026 થી મળવો જોઈએ. ભૂતકાળના ટ્રેન્ડ જોઈએ તો આ શક્યતા પ્રબળ લાગે છે:

7મું પગાર પંચ: તેનો અમલ જૂન 2016 માં થયો હતો, પરંતુ કર્મચારીઓને એરિયર્સ અને પગાર વધારાનો લાભ 1 જાન્યુઆરી, 2016 થી આપવામાં આવ્યો હતો.

6ઠ્ઠું પગાર પંચ: તેનો અમલ ઓગસ્ટ 2008 માં થયો હતો, પરંતુ તેનો લાભ પશ્ચાદવર્તી અસરથી એટલે કે 1 જાન્યુઆરી, 2006 થી આપવામાં આવ્યો હતો.

આ પેટર્ન મુજબ, ભલે 8મા પગાર પંચના અમલીકરણમાં થોડો વિલંબ થાય, પરંતુ બાકી રકમ (Arrears) 1 જાન્યુઆરી, 2026 થી ગણવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

શું આ વખતે એરિયર્સમાં વિલંબ થઈ શકે?

'ઈકોનોમિક ટાઈમ્સ' (ET) ના એક અહેવાલમાં કર્મચારી સંગઠનના વરિષ્ઠ સભ્યને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સરકાર પ્રવર્તમાન આર્થિક સ્થિતિને આધારે એરિયર્સની તારીખમાં ફેરફાર કરી શકે છે. જોકે, કર્મચારીઓને આશા છે કે સરકાર જૂની પરંપરા જાળવી રાખશે અને જાન્યુઆરી 2026 થી જ લાભ આપશે.

રિપોર્ટ ક્યારે આવશે? ટાઈમલાઈન સમજો

સરકારે નવેમ્બર 2025 માં 8મા પગાર પંચ માટે 'ટર્મ્સ ઓફ રેફરન્સ' (ToR) જારી કર્યા હતા. નિયમ મુજબ કમિશનને પોતાનો રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવે છે. રિપોર્ટ જમા થયા બાદ સરકારને તેનો અભ્યાસ કરવામાં અને મંજૂરી આપવામાં બીજા 3 થી 6 મહિના લાગી શકે છે. આ ગણતરી મુજબ, 2026 ના અંતમાં અથવા 2027 ની શરૂઆતમાં અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.