8th Pay Commission: કેન્દ્ર સરકારે પણ 8મું પગાર પંચ શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવાનું શરૂ કર્યું છે. નવા પગાર પંચથી લગભગ 47.85 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોની આવક અને પેન્શનમાં વધારો થવાની ધારણા છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચને મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકારી કર્મચારીઓને પણ તેનો લાભ મળશે.
35 જગ્યાઓ ભરવાની જાહેરાત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાણા મંત્રાલયે 8મા પગાર પંચ માટે 35 જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે. સરકારે 17 એપ્રિલ, 2025ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં નાણા મંત્રાલયે 8મા પગાર પંચમાં ડેપ્યુટેશનના આધારે 35 જગ્યાઓ ભરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે 8મા પગાર પંચની રચનાની તારીખથી કમિશન બંધ થાય ત્યાં સુધીના સમયગાળા માટે આ જગ્યાઓ પર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે.
નોંધનીય છે કે નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે 8મા પગાર પંચમાં નિમણૂકો કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા સમયાંતરે નક્કી કરાયેલા નિયમિત ધોરણો અનુસાર થશે. તેથી, તમને વિનંતી છે કે તમે આ પરિપત્ર તમારા વિભાગના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સુધી પહોંચાડો.
બેસિક પગારમાં વધારો થવાની અપેક્ષા છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 8મા પગાર પંચમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે. જેમાં તમારી બેસિક સેલેરીથી લઇને DA સુધીનો સમાવેશ થાય છે. સરકાર નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 થી વધારીને 2.85 કરી શકે છે. આના કારણે સરકારી કર્મચારીઓના લઘુત્તમ બેસિક પગારમાં વધારો થવાની ધારણા છે. આ ઉપરાંત, 8મા પગાર પંચના અમલ પછી DA ને બેસિક પગારમાં સમાવી શકાય છે. આ સાથે ઘર ભાડું ભથ્થું અને મુસાફરી ભથ્થું પણ નવા બેસિક સેલેરીના આધારે ફરીથી નક્કી કરી શકાય છે.
કેન્દ્રીય સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાપૂર્વક 8મા પગારપંચની રાહ જોઈ રહ્યા છે, જે વર્તમાન 7મા પગારપંચનું સ્થાન લેશે. આ વર્ષે જાન્યુઆરીમાં 8મા પગારપંચની રચનાની જાહેરાત કરવામાં આવી હતી, જોકે પેનલની રચના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિમણૂક કરવામાં આવી નથી. આ દરમિયાન, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA)ને બેસિક પગાર સાથે મર્જ કરવાની સંભાવનાનો મુદ્દો ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. તાજેતરમાં જ સરકારે ડીએમાં 2 ટકાનો વધારો કર્યો હતો, જે બાદ હવે ડીએ વધીને 55 ટકા થઈ ગયો છે.