8th Pay Commission Latest News: દેશભરના લાખો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ (Central Government Employees) જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેવા 8th Pay Commission (8મા પગાર પંચ) ને લઈને હલચલ તેજ બની છે. કર્મચારી સંગઠનો હવે પગાર વધારા માટે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. નેશનલ ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઈઝેશન (FNPO) દ્વારા સરકાર સમક્ષ એક મહત્વનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેણે કર્મચારીઓમાં નવી આશા જગાડી છે.
આ પ્રસ્તાવમાં ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) વધારીને 3.25 સુધી લઈ જવાની અને વાર્ષિક પગાર વધારો એટલે કે ઇન્ક્રીમેન્ટ 5% કરવાની માંગ કરવામાં આવી છે. જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો, લઘુત્તમ પગારમાં તોતિંગ વધારો થઈને તે ₹54,000 સુધી પહોંચી શકે છે. આ ગણતરી 'આયક્રોઇડ ફોર્મ્યુલા' (Aykroyd Formula) ના આધારે કરવામાં આવી છે, જે ચાર સભ્યોના પરિવારની રોટી, કપડા અને મકાન જેવી પાયાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખે છે.
FNPO એ નેશનલ કાઉન્સિલને લખેલા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે તમામ કર્મચારીઓ માટે એકસમાન ફિટમેન્ટ ફેક્ટર ન હોવું જોઈએ. સંગઠને ભલામણ કરી છે કે ગ્રુપ A, B, C અને D ના કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર 3.0 થી 3.25 ની વચ્ચે હોવું જોઈએ. અગાઉના પગાર પંચોમાં પણ અલગ-અલગ સ્તર માટે ભિન્ન ફેક્ટર રાખવામાં આવ્યા હતા, તેથી આ વખતે પણ તે પદ્ધતિ અપનાવવી જોઈએ.
પ્રસ્તાવ મુજબ, લેવલ 1 થી 5 માટે ફિટમેન્ટ ફેક્ટર 3.0, મધ્યમ સ્તર માટે 3.05 થી 3.10 અને ઉચ્ચ અધિકારીઓ માટે 3.25 રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો લેવલ 1 ના કર્મચારીનો હાલનો બેઝિક પગાર ₹18,000 છે, તો 3.0 ના ફિટમેન્ટ ફેક્ટર સાથે તે વધીને સીધો ₹54,000 થઈ જશે. આનો સૌથી મોટો ફાયદો નીચલા સ્તરના કર્મચારીઓને થશે.
માત્ર બેઝિક પગાર જ નહીં, પરંતુ વાર્ષિક ઇન્ક્રીમેન્ટ (Annual Increment) ના નિયમોમાં પણ મોટા બદલાવની માંગ ઉઠી છે. હાલમાં કર્મચારીઓને વાર્ષિક 3% વધારો મળે છે, જેને વધારીને 5% કરવાની રજૂઆત કરવામાં આવી છે. FNPO નું માનવું છે કે આમ કરવાથી સરકારી પગાર માળખું પ્રાઈવેટ સેક્ટરની સ્પર્ધામાં ટકી શકશે.
ખાસ કરીને ગ્રુપ C અને D ના કર્મચારીઓ, જેમને તેમની કારકિર્દી દરમિયાન પ્રમોશનની તકો ઓછી મળે છે, તેમને આ 5% ઇન્ક્રીમેન્ટથી મોટી આર્થિક સુરક્ષા મળશે. લાંબા ગાળે આ વધારો તેમના નિવૃત્તિ સમયના ભંડોળમાં પણ મોટો ફેરફાર લાવશે.
હવે સૌની નજર આગામી રણનીતિ પર છે. તમામ કર્મચારી સંગઠનોના સૂચનો એકત્રિત કર્યા બાદ, નેશનલ કાઉન્સિલ (JCM) ની આગામી 25 February, 2026 ના રોજ મહત્વની બેઠક મળવાની છે. જેમાં આખરી ડ્રાફ્ટ તૈયાર કરીને 8મા પગાર પંચના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈને સોંપવામાં આવશે.