8th Pay Commission fitment factor: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અત્યારે 8મા પગાર પંચ (8th Pay Commission) ની ભલામણો અને પગારમાં થનારા ફેરફારોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં પગાર પંચ પોતાની ભલામણો તૈયાર કરવામાં વ્યસ્ત છે, ત્યારે કર્મચારીઓનું સૌથી વધુ ધ્યાન 'ફિટમેન્ટ ફેક્ટર' પર કેન્દ્રિત છે. ફિટમેન્ટ ફેક્ટર એ ગુણક (Multiplier) છે જે નક્કી કરે છે કે કર્મચારીના મૂળ પગારમાં કેટલો વધારો થશે. કેન્દ્રીય કર્મચારીઓના પ્રતિનિધિત્વ કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ (NC-JCM) એ સરકાર પાસે 3.833 ના ફિટમેન્ટ ફેક્ટરની જોરદાર માંગ કરી છે. જોકે, ઘણા નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર હોવાથી પગારમાં અધધ વધારો થઈ જશે એવું નથી. તો ચાલો આ આખી ગણતરી અને મોંઘવારી ભથ્થા (DA) ની ભૂમિકાને સરળ ભાષામાં સમજીએ.
શું ફિટમેન્ટ ફેક્ટર વધવાથી પગાર વધશે જ?
નિષ્ણાતોના મતે 3.833 નો આંકડો ઘણો ઊંચો છે, અને એવી શક્યતા છે કે 8મું પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 2.0 થી 2.25 ની વચ્ચે ક્યાંક નક્કી કરશે. હવે સવાલ એ છે કે જો ફિટમેન્ટ ફેક્ટર 2.25 નક્કી થાય, તો શું કેન્દ્રીય કર્મચારીઓના કુલ પગારમાં તેટલા જ પ્રમાણમાં વધારો થશે? જવાબ છે - ના.
ફિટમેન્ટ ફેક્ટર વધારે, પણ પગાર વધારો ઓછો!
જો આપણે જૂના ડેટા પર નજર કરીએ તો ચિત્ર સ્પષ્ટ થઈ જશે:
7મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર 2.57 (ઘણું ઊંચું) હતું, તેમ છતાં કર્મચારીઓના કુલ પગારમાં માત્ર 14.29% નો જ વધારો જોવા મળ્યો હતો.
6ઠ્ઠું પગાર પંચ: આમાં ફિટમેન્ટ ફેક્ટર માત્ર 1.86% હતું, પરંતુ કુલ પગારમાં સીધો 54% નો અધધ વધારો થયો હતો.આ ઉપરાંત, ચોથા અને પાંચમા પગાર પંચ હેઠળ કુલ પગાર વધારો અનુક્રમે 27.60% અને 31% રહ્યો હતો. આ આંકડાઓ જોઈને તમને આશ્ચર્ય થતું હશે કે ઊંચા ફિટમેન્ટ ફેક્ટર છતાં કુલ પગારમાં આટલો ઓછો વધારો કેવી રીતે થઈ શકે?
આ પણ વાંચોઃ આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં આકાશમાંથી તૂટી પડશે આફત, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર ઊંચા પગારની ગેરંટી કેમ નથી? સમજો DA નો ખેલ
અહીં સૌથી મોટી અને મહત્વની ભૂમિકા વર્તમાન 'મોંઘવારી ભથ્થા' (DA) દરની હોય છે.
ઉદાહરણ તરીકે, જ્યારે 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું, ત્યારે તેમાં 6ઠ્ઠા પગાર પંચ મુજબ મળતા 125% DA નો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો હતો. આનો સીધો અર્થ એ થયો કે પગાર પંચના કોઈ નવા વધારા વિના જ હાલનો ફિટમેન્ટ ફેક્ટર 2.25 (100% બેઝિક પગાર + 125% DA) થઈ ગયો હતો. આથી, 2.57 ના ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ 157% નો ચોખ્ખો વધારો નહોતો થતો.
ઓલ ઈન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોઈઝ ફેડરેશન (AINPSEF) ના પ્રમુખ મનજીત સિંહ પટેલ સમજાવે છે કે, 7મા પગાર પંચમાં ઊંચા DA ને એડજસ્ટ કરવા ઉપરાંત, તમામ કર્મચારીઓના મૂળ પગારમાં સમાનતા લાવવા માટે જૂના પગારને 'નોર્મલાઈઝ' (સામાન્ય) પણ કરવામાં આવ્યો હતો. પરિણામે, હાથમાં આવતો સરેરાશ પગાર વધારો માત્ર 14.29% જ રહ્યો. આની સરખામણીમાં 6ઠ્ઠા પગાર પંચ વખતે વર્તમાન DA નો દર માત્ર 24% હતો (એટલે કે 1.24 નો ફિટમેન્ટ ફેક્ટર પહેલાથી જ લાગુ હતો). જેથી 1.86 ના ફિટમેન્ટ ફેક્ટરે કુલ પગારમાં સીધો 54% નો ઉછાળો લાવી દીધો.
આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
8મા પગાર પંચમાં કેટલો વધી શકે છે તમારો પગાર?
બેંકબજાર (Bankbazaar) ના એક અંદાજ મુજબ, જો 8મું પગાર પંચ 2.0 થી 2.57 ની રેન્જમાં ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે, તો લેવલ 1 થી 18 ના કર્મચારીઓના કુલ પગારમાં અંદાજે 31% થી લઈને 68% સુધીનો વધારો થઈ શકે છે. (નોંધ: આ ગણતરીમાં માત્ર મૂળ પગાર અને HRA ને જ ધ્યાનમાં લેવામાં આવ્યા છે).
કેવી રીતે થાય છે તમારા નવા પગારની ગણતરી? (ફોર્મ્યુલા)
કર્મચારીઓના પગારમાં બેઝિક, DA, અને HRA મુખ્ય હોય છે. તમે પણ આ રીતે તમારા નવા પગારનો અંદાજ કાઢી શકો છો:
હાલનો કુલ પગાર = બેઝિક પગાર (દા.ત. લેવલ 1 માં ₹18,000) + DA (બેઝિકના 60%) + HRA (X કેટેગરીના શહેર માટે બેઝિકના 24%)
નવો (સુધારેલો) બેઝિક પગાર = હાલનો બેઝિક પગાર × નવો ફિટમેન્ટ ફેક્ટર
નવો કુલ પગાર = નવો બેઝિક પગાર + નવા બેઝિકના 24% HRA (X કેટેગરી માટે)
