8th Pay Commission Update: કેન્દ્રીય કેબિનેટ દ્વારા 8મા પગાર પંચ (8th Pay Commission) ની શરતોને મંજૂરી આપી દેવામાં આવી છે અને તેનું સત્તાવાર જાહેરનામું પણ બહાર પડી ગયું છે. નવા પંચને તેની રચનાના 18 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ સરકારને સોંપવા માટે કહેવાયું છે. આ જાહેરાત સાથે જ લાખો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની નજર ફરી એકવાર સંભવિત પગાર વધારા પર મંડાઈ છે. ત્યારે ચાલો આજે પગાર પંચનો રસપ્રદ ઈતિહાસ જાણીએ અને સમજીએ કે આઝાદી પછી અત્યાર સુધી કયા પગાર પંચે કર્મચારીઓને સૌથી વધુ ફાયદો કરાવ્યો છે.

Continues below advertisement

આઝાદી પછીના પગાર પંચની સફર

કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારનું માળખું, ભથ્થાં અને પેન્શનની સમીક્ષા કરવાની જવાબદારી પગાર પંચની હોય છે. 1947 માં દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 7 પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે. 1947 માં આવેલા પ્રથમ પગાર પંચે સરકારી પગાર માળખાનો પાયો નાખ્યો હતો, જેમાં લઘુત્તમ મૂળ પગાર માત્ર ₹55 અને મહત્તમ પગાર ₹2,000 નક્કી કરવામાં આવ્યો હતો.

Continues below advertisement

ત્યારબાદ 1959 માં બીજા પગાર પંચે લઘુત્તમ પગાર ₹55 થી વધારીને ₹80 કર્યો (જેમાં 45% નો વધારો જોવા મળ્યો). 1973 ના ત્રીજા પગાર પંચમાં આ રકમ ₹80 થી વધારીને ₹196 કરવામાં આવી.

ચોથા અને પાંચમા પંચે આપ્યો મોટો ઉછાળો

ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો ચોથા અને પાંચમા પગાર પંચે કર્મચારીઓને સૌથી મોટો આર્થિક લાભ કરાવ્યો હતો. ચોથા પગાર પંચે લઘુત્તમ પગાર ₹196 થી સીધો વધારીને ₹750 કરી દીધો. જ્યારે પાંચમા પગાર પંચ વખતે લઘુત્તમ પગાર ₹750 થી કૂદકો મારીને ₹2,550 પર પહોંચી ગયો હતો.

છઠ્ઠા પંચથી શરૂ થયો 'ફિટમેન્ટ ફેક્ટર' નો ટ્રેન્ડ

વર્ષ 2006 માં જ્યારે છઠ્ઠું પગાર પંચ આવ્યું, ત્યારે તેણે પહેલીવાર 'ફિટમેન્ટ ફેક્ટર' (Fitment Factor) નો નવો ખ્યાલ રજૂ કર્યો. તે સમયે 1.86 ના ફિટમેન્ટ ફેક્ટર સાથે લઘુત્તમ વેતન વધીને ₹7,000 કરવામાં આવ્યું. ત્યારબાદ 2016 માં સાતમું પગાર પંચ લાગુ થયું, જેણે અત્યાર સુધીનો સૌથી વધુ એટલે કે 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર આપ્યો. જેના પરિણામે કર્મચારીઓનો લઘુત્તમ પગાર ₹7,000 થી વધીને સીધો ₹18,000 થઈ ગયો.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: લઘુત્તમ પગાર ₹18,000 થી વધીને ₹72,000 થશે? સરકારી તિજોરી પર 9 લાખ કરોડનો બોજ

તો આખરે સૌથી વધુ ફાયદો કયા પંચમાં થયો?

જો આપણે પગારમાં થયેલા માત્ર ટકાવારીના વધારાને ધ્યાનમાં લઈએ, તો ચોથું પગાર પંચ સૌથી આગળ રહે છે. તેણે લઘુત્તમ વેતનમાં લગભગ 282% નો જંગી વધારો કર્યો હતો, જે ભારતના પગાર પંચના ઇતિહાસમાં સૌથી મોટો ઉછાળો છે.

પરંતુ જો ફિટમેન્ટ ફેક્ટરના આધારે સરખામણી કરીએ, તો સાતમું પગાર પંચ બાજી મારી જાય છે. તેનો 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે, જેણે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં નોંધપાત્ર અને મજબૂત સુધારો કર્યો છે. હવે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે 8મું પગાર પંચ કર્મચારીઓની અપેક્ષાઓ પર કેટલું ખરું ઉતરે છે!