Pay Commission Consultant Recruitment: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચની કામગીરીની દિશામાં તૈયારીઓ હવે ઝડપી બની ગઈ છે. સોમવારે 8મા પગાર પંચ દ્વારા એક મહત્વનો ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં પંચની કામગીરીને વધુ સુદઢ બનાવવા માટે કોન્ટ્રાક્ટ (કરાર) આધારિત કન્સલ્ટન્ટ્સ (સલાહકારો) ની નિમણૂક માટેના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
અહીં એ સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે કે, આ નોટિફિકેશન માત્ર પંચની સ્ટાફિંગ જરૂરિયાતો માટે છે; તેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગાર કે પેન્શનમાં કોઈ ફેરફારની સીધી જાહેરાત થતી નથી.
શું છે સલાહકારોની ભરતીના નવા માપદંડ?
કમિશને આ ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોના અનુભવના આધારે સલાહકારોની કુલ 3 શ્રેણીઓ (કેટેગરી) બનાવી છે, જેમાં કુલ 23 જગ્યાઓ ભરવામાં આવશે:
સિનિયર કન્સલ્ટન્ટ: આ ઉચ્ચ પદ માટે ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 10 વર્ષનો સંબંધિત અનુભવ હોવો જરૂરી છે અને મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ. આ કેટેગરી હેઠળ વધુમાં વધુ 2 સલાહકારોની નિમણૂક કરાશે (અગાઉ આ મર્યાદા 5 ની હતી, જે હવે ઘટાડાઈ છે).
કન્સલ્ટન્ટ: આ શ્રેણી માટે 6 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. ઉમેદવારની મહત્તમ ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ પદ માટે વધુમાં વધુ 5 સલાહકારોની નિમણૂક કરવામાં આવશે.
યંગ પ્રોફેશનલ: યુવાનો માટે આ સારી તક છે. જેમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ જરૂરી છે અને વય મર્યાદા 32 વર્ષ રખાઈ છે. સૌથી વધુ 16 નિમણૂકો આ જ કેટેગરીમાં થશે (જે અગાઉ માત્ર 10 હતી).
ખાસ નોંધ: આ ત્રણેય શ્રેણીઓ માટે ઉંમર અને અનુભવની ગણતરી માટેની કટ-ઓફ તારીખ 1 ઓગસ્ટ, 2026 નક્કી કરવામાં આવી છે.
શું હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત?
આ જગ્યાઓ માટે માનવ સંસાધન (HR), ઔદ્યોગિક સંબંધો અથવા તેને લગતા સમાન વિષયોમાં માસ્ટર્સ કે MBA ની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ઉપરાંત, કાયદાના સ્નાતકો (LL.B.) કે જેમને કાનૂની સંશોધન અથવા કોર્ટ/ટ્રિબ્યુનલમાં સેવા બાબતોનું સંચાલન કરવાનો અનુભવ છે, તેમનો પણ આ ભરતીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ટેકનિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારો માટે પણ તક છે. IT, ડેટા એનાલિસિસ અને ડેટા વિઝ્યુલાઇઝેશનમાં સારો અનુભવ ધરાવતા B.Tech અને M.Tech ઉમેદવારો પણ આ માટે લાયક ગણાશે.
આ પણ વાંચોઃ 8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
આ કૌશલ્ય ધરાવતા ઉમેદવારોને મળશે પ્રાધાન્ય
જે ઉમેદવારો પાસે રિસર્ચ કરવાની, યોગ્ય માહિતી એકઠી કરીને તેને વ્યવસ્થિત ગોઠવવાની અને ડ્રાફ્ટ નોટ્સ તૈયાર કરવાની આવડત હશે, તેમને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે. કમિશને સ્પષ્ટ કર્યું છે કે તમામ કેટેગરીના કન્સલ્ટન્ટ્સ માટે માઈક્રોસોફ્ટ એક્સેલ (સ્પ્રેડશીટ્સ) વાપરવાનો અને પ્રેઝન્ટેશન (સ્લાઈડ ડેક) બનાવવાનો અનુભવ હોવો એકદમ ફરજિયાત છે.
નોકરીની શરતો અને કેટલાક મહત્વના મુદ્દાઓ
પસંદગી પામેલા તમામ સલાહકારોએ કમિશનને પોતાની ફૂલ-ટાઈમ (પૂર્ણ-સમય) સેવા પૂરી પાડવાની રહેશે.
તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન બીજી કોઈ કંપની કે સંસ્થા સાથે જોડાઈ શકશે નહીં અથવા કોઈ અન્ય પ્રોજેક્ટ લઈ શકશે નહીં.
આ નિમણૂક સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ બેઝ (કરાર આધારિત) છે. તેથી, કમિશન પાસે એ અધિકાર સુરક્ષિત છે કે તે કોઈપણ કારણ આપ્યા વિના ગમે ત્યારે આ કરાર સમાપ્ત કરી શકે છે.
આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
