નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં 8મા પગાર પંચને મંજૂરી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પગાર પંચના સભ્યોની પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. હાલમાં, કેન્દ્રીય કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ પગાર મળી રહ્યો છે, જેનો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2026 ના રોજ સમાપ્ત થશે. 8મા પગાર પંચની મંજૂરી પછી માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંકેત આપ્યો હતો કે નવા પગાર પંચની ભલામણો 2025 ના અંત સુધીમાં તૈયાર થઈ જશે અને તેનો અમલ 1 જાન્યુઆરી, 2026 થી થઈ શકે છે. જોકે, હજુ સુધી સભ્યોની જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં શક્ય છે કે 8મા પગાર પંચની ભલામણો 2026 ને બદલે 2027 માં લાગુ કરવામાં આવે.

આનું કારણ પગાર પંચની રચના પછી અંતિમ અહેવાલ જાહેર કરવામાં લાગતો સમય છે. જૂના રેકોર્ડ મુજબ તે 18 થી 26 મહિના સુધીનું હોઈ શકે છે. છઠ્ઠા પગાર પંચનો અહેવાલ લગભગ 18 મહિનામાં આવ્યો. જ્યારે 7મા પગાર પંચે તેની રચનાના 26 મહિના પછી તેનો અંતિમ અહેવાલ રજૂ કર્યો.

નિષ્ણાંતો માને છે કે 7મા પગાર પંચનો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2026 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, તેથી કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચ મુજબ આ પછી તેમનો પગાર અને પેન્શન મેળવી શકે છે. જો 8મા પગાર પંચની રચનામાં વિલંબ થાય અને તે 2027 ની આસપાસ પોતાનો અહેવાલ રજૂ કરે તો સરકાર બાકી રકમ આપવાનું વિચારી શકે છે. આવી સ્થિતિમાં, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2026 થી બાકી રકમના રૂપમાં વધેલો પગાર અને પેન્શન મળી શકે છે.

7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું. આ સાથે, લઘુત્તમ મૂળ પગાર ₹7,000 થી વધારીને ₹18,000 કરવામાં આવ્યો. 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધીને 2.86 થઈ શકે છે. આ આધારે, લઘુત્તમ મૂળ પગાર ₹41,000 થી ₹51,480 પ્રતિ માસ સુધી પહોંચી શકે છે.

પગાર વધારો કેટલો થશે ?

જો સરકાર 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરને 3 કે તેથી વધુ કરે છે, તો સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.   આ પ્રકારની સ્થિતિમાં  8માં પગાર પંચના અમલ પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના પગારમાં દર મહિને 19,000 રૂપિયા સુધીનો વધારો મળી શકે છે.  8માં પગાર પંચમાં લઘુત્તમ પગાર 51,480 રૂપિયા હશે. એટલું જ નહીં, કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતું પેન્શન પણ વધીને 25,740 રૂપિયા થશે. કેંદ્રીય કર્મચારીઓ 8માં પગારપંચની ખૂબ જ આતુરતા સાથે રાહ જોઈ રહ્યા છે.