8th Pay Commission: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 8મા પગાર પંચ (8th Pay Commission) ની રચનાને ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. આ પંચની રચનાની જાહેરાત સરકારે જાન્યુઆરી 2025 માં કરી હતી, પરંતુ હવે તેની રચનાને મંજૂરી મળી છે. આ પગલાથી આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 6.9 મિલિયન પેન્શનરોને સીધો ફાયદો થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ પંચ 18 મહિના ની અંદર તેની ભલામણો રજૂ કરશે, જે 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની અપેક્ષા છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ આ પંચના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે.
કેબિનેટે 8મા પગાર પંચની રચનાને આપી મંજૂરી
કેન્દ્રીય મંત્રીમંડળે આખરે 8મા કેન્દ્રીય પગાર પંચ ની રચના માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીમંડળે 8મા કેન્દ્રીય પગાર પંચ માટે સંદર્ભની શરતો (Terms of Reference - ToR) ને પણ મંજૂરી આપી છે. આ પગાર પંચનું મુખ્ય કાર્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, નિવૃત્તિ પછીના લાભો અને અન્ય સેવા શરતોમાં જરૂરી ફેરફારોની તપાસ અને ભલામણો કરવાનું છે.
પંચના અધ્યક્ષ અને સભ્યોની જાહેરાત
સરકારે 8મા પગાર પંચ ની રચના સાથે જ તેના મહત્ત્વના હોદ્દેદારોના નામોની પણ જાહેરાત કરી છે. આ પંચ એક કામચલાઉ સંસ્થા હશે, જેમાં એક અધ્યક્ષ, એક અંશકાલિક સભ્ય અને એક સભ્ય-સચિવનો સમાવેશ થશે.
- અધ્યક્ષ: સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે.
- અંશકાલિક સભ્ય: IIM બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ-ટાઇમ સભ્ય હશે.
- સભ્ય-સચિવ: હાલમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ પંકજ જૈન સભ્ય-સચિવ તરીકેની ભૂમિકા નિભાવશે.
18 મહિનામાં ભલામણો અને અમલની અપેક્ષા
8મું કેન્દ્રીય પગાર પંચ તેની રચનાની તારીખથી 18 મહિના ની અંદર તેની ભલામણો રજૂ કરવા માટે બંધાયેલું છે. સામાન્ય રીતે, પગાર પંચની ભલામણો દર દસ વર્ષે લાગુ કરવામાં આવે છે. આ નિયમ મુજબ, 8મા પગાર પંચ ની ભલામણો 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની અપેક્ષા છે. જો જરૂરી જણાય, તો કમિશન તેની મુખ્ય ભલામણોને અંતિમ સ્વરૂપ આપ્યા પછી પણ કોઈપણ મહત્ત્વની બાબત પર તેનો પૂરક અહેવાલ રજૂ કરી શકે છે.
પંચ ભલામણો કરતી વખતે આ પરિબળો પર ધ્યાન આપશે
- આર્થિક પરિસ્થિતિ: દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને નાણાકીય શિસ્ત જાળવવાની જરૂરિયાત.
- સંસાધનોની ઉપલબ્ધતા: વિકાસ અને કલ્યાણ યોજનાઓ માટે પૂરતા સંસાધનો ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવું.
- પેન્શન યોજનાઓનો ખર્ચ: ભંડોળ વિનાની બિન-ફાળો આપતી પેન્શન યોજનાઓનો સંભવિત ખર્ચ.
- રાજ્ય સરકાર પર અસર: રાજ્ય સરકારના તિજોરી પર ભલામણોની સંભવિત અસર, કારણ કે રાજ્ય સરકારો ઘણીવાર કેન્દ્રની ભલામણોને અપનાવે છે.
- ખાનગી અને જાહેર ક્ષેત્ર: કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના વર્તમાન પગાર, લાભો અને કાર્યકારી પરિસ્થિતિઓ સાથે સરખામણી.
પગાર પંચનો ઉદ્દેશ્ય
કેન્દ્રીય પગાર પંચની રચના સમયાંતરે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, નિવૃત્તિ પછીના લાભો અને અન્ય સેવા શરતો સંબંધિત મુદ્દાઓની તપાસ કરવા માટે કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્રીય કર્મચારીઓના જીવનધોરણ અને ખરીદશક્તિને ધ્યાનમાં રાખીને તેમને યોગ્ય વળતર અને લાભો મળે તેની ખાતરી કરવાનો છે. આ ભલામણો લાખો કર્મચારીઓ અને તેમના પરિવારો માટે મોટી રાહત લાવે છે.