UIDAI extends last date to update Aadhaar free: આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 સપ્ટેમ્બર 2023 હતી, જે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા ત્રણ મહિના વધારીને 14 ડિસેમ્બર 2023 કરવામાં આવી છે. આ જાણકારી ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવી છે. 


યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરાયેલા આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “વધુમાં વધુ લોકોને આધાર સાથે સંબંધિત તેમના દસ્તાવેજો અપડેટ કરવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી, myAadhaar પોર્ટલ દ્વારા, આધારમાં તેમના દસ્તાવેજોને અપડેટ કરી શકાય છે. મફત અપડેટ કરવાની સુવિધા 14 સપ્ટેમ્બર સુધી પૂરી પાડવામાં આવી હતી. આ અંગે નાગરિકોના સકારાત્મક પ્રતિસાદને જોતા હવે આ સુવિધાને વધુ ત્રણ મહિના એટલે કે 15 સપ્ટેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી, myAadhaar પોર્ટલ દ્વારા દસ્તાવેજોના મફત અપડેટની સુવિધા હવે 14 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.


UIDAIએ 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડ ધારકોને તેમની આધાર વિગતો નવીનતમ માહિતી સાથે અપડેટ કરવા જણાવ્યું છે. UIDAI વેબસાઈટ પર આ સંદર્ભમાં આપવામાં આવેલી સૂચનાઓ કહે છે, “કૃપા કરીને વસ્તી વિષયક માહિતી સચોટ અને સાચી રાખવા માટે તમારું આધાર અપડેટ કરો. તેને અપડેટ કરવા માટે, તમારા ઓળખ પ્રમાણપત્ર અને સરનામાના પુરાવા સંબંધિત પ્રમાણપત્ર અપલોડ કરો. નાગરિકોને તેમનાં નામ અને સરનામાં અપડેટ કરવાની સાથે લગ્ન કે મૃત્યુના કિસ્સામાં તેમના સંબંધીઓની વિગતો અપડેટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.


નવી માહિતી અનુસાર, હવે આ તમામ માહિતી 14 ડિસેમ્બર સુધી UIDAIની વેબસાઇટ પર ફ્રીમાં અપડેટ કરી શકાશે. આ તમામ કામ કોમન સર્વિસ સેન્ટર (CSC)ની મદદથી પણ કરી શકાય છે, પરંતુ તેના માટે 25 રૂપિયાની નજીવી ફી ચૂકવવી પડશે. 


સરનામું અપડેટ કરવાની અને વેબસાઈટ પર દસ્તાવેજો અપલોડ કરવાની પ્રક્રિયા નીચે આપેલ છે, અન્ય વિગતો પણ આ જ રીતે અપડેટ કરી શકાય છે.


UIDAI myaadhaar.uidai.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. 
-લોગિન કર્યા પછી "નામ/લિંગ/જન્મ તારીખ અને સરનામું અપડેટ" પસંદ કરો. - 
અપડેટ આધાર ઓનલાઈન પર ક્લિક કરો. – ડેમોગ્રાફિક વિકલ્પોમાંથી “address” પસંદ કરો - 
Proceed to Update Aadhaar પર ક્લિક કરો. 
- સરનામાના પુરાવાની સ્કેન કરેલી નકલ અપલોડ કરો અને જરૂરી વસ્તી વિષયક માહિતી ભરો. 
- 25 રૂપિયાની ફી ભરો (આ ફી 14મી ડિસેમ્બર સુધી ભરવાની નથી). 
- એકવાર સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN) જનરેટ થઈ જાય, તેને સુરક્ષિત રાખો. 
- પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમને તમારા આધાર સાથે લિંક કરેલ નંબર પર એક SMS પ્રાપ્ત થશે. 
- સરનામા સિવાય, તમે અન્ય વિગતો અપડેટ કરવા માટે પણ સમાન પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો છો. પરંતુ સરનામાને બદલે, તમારે તે વિગતો પસંદ કરવી પડશે જેને તમે અપડેટ કરવા માંગો છો.