Adani Group Share Price: હોળી પહેલા જ અદાણી ગ્રુપના રોકાણકારો માટે દિવાળી આવી ગઈ છે. અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. થોડા દિવસોમાં કંપનીના શેરોએ રોકાણકારોને ઘણું વળતર આપ્યું છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના ચાર શેરો 5 ટકાની ઉપલી સર્કિટમાં અથડાઈ ગયા હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ 13 ટકા સુધી ઉછળ્યો હતો.


છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો અદાણી ગ્રૂપની એન્ટરપ્રાઇઝિસ કંપનીના શેરે 90.12 ટકા રિટર્ન આપ્યું છે. કંપનીનો આ સ્ટોક 2,114.50 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયો છે. યુએસ સ્થિત GQG પાર્ટનર્સને રૂ. 15,446 કરોડનો હિસ્સો વેચ્યા બાદ અદાણીની કંપનીઓના શેરમાં આ તેજી જોવા મળી રહી છે.


આ ચારેય શેરોમાં અપર સર્કિટ લાગી હતી


અદાણી એન્ટરપ્રાઇઝિસ સાથે, કંપનીના ચાર શેરો, અદાણી પાવર, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસ, તમામમાં 5 ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. બીજી તરફ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના શેરમાં 4 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ સિવાય અંબુજા સિમેન્ટ અને ACC સિમેન્ટના શેરમાં લગભગ 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.


ચાર કંપનીઓમાં હિસ્સો ખરીદ્યો


યુએસ સ્થિત અને ઓસ્ટ્રેલિયામાં લિસ્ટેડ કંપની GQG એ બ્લોક ડીલ દ્વારા અદાણી એન્ટરપ્રાઇઝ સહિત અદાણી ગ્રુપની ચાર કંપનીઓના શેર ખરીદ્યા છે. મિન્ટના અહેવાલ મુજબ, આ ડીલ પછી GQGના પ્રમુખ અને મુખ્ય રોકાણ અધિકારી રાજીવ જૈને કહ્યું કે અમે માનીએ છીએ કે આ કંપનીઓ માટે લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના છે.


શેરબજારમાં તેજી સાથે થઈ શરૂઆત


તમને જણાવી દઈએ કે 24 જાન્યુઆરીએ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં અદાણી ગ્રુપ પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા. જો કે અદાણી ગ્રુપે આ આરોપને ખોટો ગણાવ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 500 પોઈન્ટ ચઢીને 60 હજારને પાર કરી ગયો હતો. જ્યારે નિફ્ટી 17750ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો.


નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે અદાણી હિંડનબર્ગ કેસની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. નિવૃત્ત જસ્ટિસ એએમ સપ્રે કોર્ટ દ્ધારા રચાયેલી સમિતિનું નેતૃત્વ કરશે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે સેબી આ મામલામાં તપાસ ચાલુ રાખશે અને 2 મહિનામાં તેનો રિપોર્ટ આપશે.