Gautam Adani: ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી ગ્રુપ ચીન પણ પહોંચી ગયું છે. અદાણી ગ્રુપે આ પડોશી દેશમાં પોતાનો વ્યવસાય વિસ્તારવા માટે એક સબસિડિયરી કંપનીનું રજિસ્ટ્રેશન ત્યાં કરાવ્યું છે. આની સાથે હવે ચીનમાં પણ અદાણી ગ્રુપ પોતાના મૂળિયાં ફેલાવવાનું શરૂ કરશે. અદાણી એન્ટરપ્રાઇઝની સબસિડિયરી અદાણી ગ્લોબલ પીટીઈ, સિંગાપોર દ્વારા આ કામ કરવામાં આવ્યું છે.


સપ્લાય ચેઇન સોલ્યુશન્સ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટથી થશે શરૂઆત


એક રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર, અદાણી ગ્રુપે ચીનમાં સપ્લાય ચેઇન સોલ્યુશન્સ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા પોતાનું કામ શરૂ કરવાનો પ્લાન બનાવ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝે ફાઇલિંગમાં કહ્યું કે સિંગાપોર સ્થિત એક સ્ટેપ ડાઉન સહાયક કંપની અદાણી ગ્લોબલ પીટીઈએ 2 સપ્ટેમ્બર, 2024ના રોજ અદાણી એનર્જી રિસોર્સેઝ શાંઘાઈની સ્થાપના કરી છે. શાંઘાઈ સ્થિત કંપનીનું પૂર્ણ માલિકી અદાણી ગ્લોબલ પીટીઈ પાસે રહેશે. અદાણી ગ્રુપે હાલ આ વિગતો આપી નથી કે આ કંપની શા માટે ખોલવામાં આવી છે.


મોટા કોન્ટ્રાક્ટ મેળવવા માટે હાથ પગ મારશે કંપની


અદાણી એન્ટરપ્રાઇઝ હેઠળ અદાણી ગ્રુપનો માઇનિંગ, રોડ, એરપોર્ટ, ડેટા સેન્ટર અને વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ આવે છે. ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે અદાણી એનર્જી રિસોર્સેઝ શાંઘાઈને 2 સપ્ટેમ્બર, 2024ના રોજ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના કંપની કાયદા હેઠળ રજિસ્ટર કરવામાં આવી છે. આ કંપનીએ હજુ સુધી ત્યાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો નથી. પરંતુ, એવું માનવામાં આવી રહ્યું છે કે અદાણી એન્ટરપ્રાઇઝ જલ્દી જ ત્યાં મોટા કોન્ટ્રાક્ટ મેળવવા માટે પ્રયત્નો કરશે.


નૈરોબી એરપોર્ટ માટે કેન્યામાં પણ રજિસ્ટર કરાવી હતી સબસિડિયરી


તાજેતરમાં અદાણી એન્ટરપ્રાઇઝે કેન્યામાં પણ એક સબસિડિયરી એરપોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પીએલસી રજિસ્ટર કરાવી હતી. ભારતમાં 7 એરપોર્ટનું મેનેજમેન્ટ કરતી કંપની હવે વિદેશોમાં પણ પોતાના પગ પસારી રહી છે. આ ક્ષેત્રમાં રોકાણ મેળવવા માટે તાજેતરમાં ગ્લોબલ એરપોર્ટ્સ ઓપરેટર એલએલસી નામે અબુ ધાબીમાં કંપની બનાવવામાં આવી હતી. જાણકારી અનુસાર, અદાણી ગ્રુપે નૈરોબીના જોમો કેન્યાતા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં રોકાણ માટે કેન્યા સરકારને એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દેશની બહાર અદાણી ગ્રુપનું પહેલું એરપોર્ટ બની શકે છે.


આ પણ વાંચોઃ


કમાણીની તકઃ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ સહિત આ 4 કંપનીઓના આગામી અઠવાડિયે આવશે IPO, પૈસા રાખો તૈયાર