હિંડનબર્ગ રિસર્ચે અદાણી સમૂહ પર નવો આરોપ લગાવ્યો છે. અમેરિકન શોર્ટ સેલર કંપનીએ દાવો કર્યો છે કે ઘણી સ્વિસ બેંકોમાં જમા અદાણી સમૂહના લગભગ 31 કરોડ ડોલર (લગભગ 2600 કરોડ રૂપિયા)ને ત્યાંના અધિકારીઓએ ફ્રીઝ કરી દીધા છે. હિંડનબર્ગનો દાવો છે કે આ કાર્યવાહી અદાણી વિરુદ્ધ ત્યાં ચાલી રહેલા મની લોન્ડરિંગ અને છેતરપિંડીના કેસોની તપાસ હેઠળ કરવામાં આવી છે. હિંડનબર્ગ રિસર્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ દાવો કર્યો. જોકે આ મામલે અદાણી ગ્રુપને નિવેદન જારી કરીને આ આરોપોને ફગાવી દીધા છે.
અદાણી ગ્રુપે શું ખુલાસો કર્યો
અદાણી ગ્રૂપ સ્વિસ કોર્ટની કોઈપણ કાર્યવાહી કોઈપણ રીતે સંકળાયેલું કે સંડોવાયેલું નથી તેમજ અમારી કંપનીના કોઈપણ ખાતાને કોઈ સત્તાધિશો દ્વારા જપ્ત કરવામાં આવ્યા નથી. અદાણી ગૃપ સામે પ્રસ્તુત કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢીએ છીએ.
પ્રસાર માધ્યમો જોગ કરેલા નિવેદનમાં અદાણી ગૃપે વધુમાં જણાવ્યું છે કે સ્વિસ કોર્ટના કથિત આદેશમાં પણ સ્વિસ કોર્ટે ના તો અમારી જૂથની કંપનીઓનો ઉલ્લેખ કર્યો છે અને ના તો અમને આવી કોઈ સત્તા અથવા નિયમનકારી સંસ્થા તરફથી સ્પષ્ટતા અથવા માહિતી માંગતી કોઈ વિનંતીઓ મળી છે. આ તકે અમે વધુ એક વાર એ બાબતનો પુનરોચ્ચાર કરીએ છીએ કે અમારું વિદેશી હોલ્ડિંગનું સમગ્ર માળખું પારદર્શક તથા સંપૂર્ણ રીતે જાહેર અને તમામ સંબંધિત કાયદાઓ સાથે સુસંગત છે.
આ આક્ષેપો સ્પષ્ટ રીતે અવિચારી, અતાર્કિક અને વાહિયાત છે. અમારા જૂથની પ્રતિષ્ઠા અને બજાર મૂલ્યને અફર ન થઈ શકે તેવું નુકસાન પહોંચાડવા માટે સમાન જૂથો દ્વારા આ એક વધુ સંગઠિત અને પ્રચંડ પ્રયાસ છે તેમ જણાવવામાં અમોને કોઈ સંકોચ કે ખચકાટ નથી.
અદાણી ગ્રૂપ તમામ કાનૂની અને નિયમનકારી જરૂરિયાતો સાથે પારદર્શિતા અને તેના પાલન માટે અડગપણે પ્રતિબદ્ધ છે.
આ પ્રયાસની સખત નિંદા કરવા સાથે સંબંધિત તમામને આવી મનઘડંત બાબતો પ્રકાશિત કરવાથી દૂર રહેવા અમે વિનંતી કરીએ છીએ. આમ છતાં જો આ બાબતમાં આગળ વધવાનું નક્કી કરો તો તે સમયે અમારા નિવેદનનો પણ સંપૂર્ણ સમાવેશ કરવા અમે વિનંતી કરીએ છીએ.
આ પણ વાંચોઃ