નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંકટ દરમિયાન વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓ ખૂબ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે ત્યારે ભારત પર પણ તેની અસર થશે. સતત વિશ્વની મોટી આર્થિક સંસ્થાઓ દેશના જીડીપી અંદાજને ઘટાડી રહી છે. આ કડીમાં એશિયન ડેવલપમેન્ટ બેન્ક(એડીબી)નું નામ પણ સામેલ થઇ ગયું છે.

એડીબીએ કહ્યું છે કે નાણાકીય વર્ષ 2021માં ભારતનો આર્થિક વિકાસ દર એટલે કે જીડીપી ઘટીને ચાર ટકા પર આવી શકે છે. નોંધનીય છે કે ભારતનો આર્થિક વિકાસ દર 2019માં 6.1 ટકાથી ઘટીને 5 ટકા પર આવી ગયો હતો. એડીબીએ પોતાના એશિયન ડેવલપમેન્ટ આઉટલૂક જાહેર કરતા ભારતનો આ અંદાજ લગાવ્યો છે. એડીબીના મતે ભારતનો જીડીપી આગામી નાણાકીય વર્ષમાં 6.2 ટકા સુધી મજબૂત થયા અગાઉ નાણાકીય વર્ષ 2021માં ઘટીને ચાર ટકા થઇ શકે છે.

એડીબીના અધ્યક્ષ મતાત્સુગુ અસાકાવાએ કહ્યું કે, કોરોના વાયરસની દુનિયાભરમાં લોકોની જિંદગી પર મોટી અસર થશે. દેશની ઇન્ડસ્ટ્રિઝ અને બીજી આર્થિક ગતિવિધિઓમાં અડચણ ઉભી થઇ રહી છે. દક્ષિણ એશિયામાં વર્ષ 2020માં વિકાસ દર ઘટીને 4.1 ટકા પર આવી શકે છે અને 2021માં છ ટકા પર જશે.