Edible Oil Price: મધ્યમવર્ગને ફરી એક વખત મોંઘવારીનો માર લાગ્યો છે. સિંગતેલના ભાવમાં ફરીએકવાર વધારો નોંધાયો છે. સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો પ્રતિ ડબ્બે ભાવ વધારો થયો છે. છેલ્લા 12 દિવસથી સિંગતેલનો ભાવ સ્થિર હતો. સોમવારે સિંગતેલમાં 30 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધ્યા બાદ સિંગતેલનો ડબ્બો 2670 થયો છે. જો કે આ તરફ કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયાનો નજીવો ઘટાડો થયો છે. જેથી કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2175એ પહોંચ્યો છે. મગફળીનું ઓઇલ મીલમાં પિલાણ છતાં ભાવમાં ગતિ જોવા મળી રહી છે.
રિટેલ ફૂગાવો ઘટ્યો
મોંઘવારીને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. નવેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 5.88 ટકાના 11 મહિનાના નીચા સ્તરે આવ્યો છે. જ્યારે ઓક્ટોબર 2022માં રિટેલ ફુગાવાનો દર 6.77 ટકા હતો. એક વર્ષ પહેલા નવેમ્બર 2021માં રિટેલ ફુગાવાનો દર 4.91 ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાના દરમાં ધરખમ ઘટાડો થયો છે.
ખાદ્ય મોંઘવારી દર નવેમ્બર મહિનામાં ઘટીને 4.67 ટકા પર આવી ગયો છે, જ્યારે ઓક્ટોબરમાં ખાદ્ય મોંઘવારી દર 7.01 ટકા હતો. તેવી જ રીતે નવેમ્બર મહિનામાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના ફુગાવામાં ઘટાડો થયો છે.
ખાદ્ય ફુગાવામાં તીવ્ર ઘટાડો
છૂટક મોંઘવારી દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાના દરમાં ઘટાડો છે. ઓક્ટોબર 2022માં ખાદ્ય ફુગાવાનો દર 7.01 ટકા હતો જે નવેમ્બરમાં ઘટીને 4.67 ટકા થયો છે. બીજી તરફ, શહેરી વિસ્તારોમાં છૂટક ફુગાવાનો દર ઓક્ટોબરમાં 6.53 ટકા હતો, જે નવેમ્બરમાં ઘટીને 3.69 ટકા થયો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં છૂટક ફુગાવાનો દર ઓક્ટોબરમાં 7.30 ટકા હતો, જે નવેમ્બરમાં ઘટીને 5.22 ટકા થયો છે. ગ્રીન્સ અને શાકભાજીનો મોંઘવારી દર ઘટીને -8.08 ટકા થયો છે. તો ફળોનો મોંઘવારી દર 2.62 ટકા રહ્યો છે.
રિટેલ ફુગાવા ઘટ્યો
સૌથી મોટી રાહત એ છે કે રિટેલ ફુગાવાનો દર આરબીઆઈના 6 ટકાના સહનશીલતા બેન્ડના ઉપલા સ્તરથી નીચે આવી ગયો છે. આરબીઆઈએ મોંઘવારી દર 2 થી 6 ટકાનો સહનશીલતા બેન્ડ નક્કી કર્યો છે. પરંતુ રિટેલ ફુગાવાનો દર આરબીઆઈના સહનશીલતા બેન્ડથી સતત ઉપર હતો. એપ્રિલમાં, છૂટક ફુગાવાનો દર 7.79 ટકા પર પહોંચ્યો હતો, જે પછી, પાંચ નાણાકીય નીતિ બેઠકો પછી, આરબીઆઈએ ફુગાવાને નિયંત્રિત કરવા માટે રેપો રેટમાં વધારો કર્યો હતો. રેપો રેટ 4 ટકાથી વધીને 6.25 ટકા થયો છે.