નવી દિલ્હીઃ મોદી સરકારના બીજા કાર્યકાળના બીજા સામાન્ય બજેટ 2020 અગાઉ વડાપ્રધાન મોદીએ મેરોથોન બેઠક શરૂ કરી છે. બેઠક બાદ અર્થશાસ્ત્રી ચરણ સિંહનું કહેવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં ખર્ચ વધારવાની જરૂર છે નહી કે આવકમાં રાહત આપવાની. તેમણે કહ્યું કે, વડાપ્રધાને બેઠકમાં કહ્યું કે જો સરકારની નીતિમાં કોઇ ખામી હોય તો અર્થશાસ્ત્રી સરકારને જણાવે જેથી અમે સુધારો કરવા માટે તૈયાર છીએ. જેનું તમામ અર્થશાસ્ત્રીઓએ સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે ઉપાયો અને અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા માટે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાંતો સાથે બેઠક કરી છે.આ બેઠક એવા સમયમાં થઇ જ્યારે આર્થિક વૃદ્ધિ દર પાંચ ટકાની નીચે રહેવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
બેઠક બાદ ઉદ્યોગપતિ અરવિંદ મેલિગિરીએ કહ્યું કે, વિવિધ સેક્ટરના લોકોએ અલગ અલગ ભલામણો કરી છે. વડાપ્રધાને આ તમામ ભલામણોને સાંભળી હતી. મે પણ પ્રોજેક્ટની મંજૂરીને વધુ સરળ બનાવવા માટેનું સૂચન કર્યું હતું.
આ અગાઉ વડાપ્રધાન મોદીએ સોમવારે દેશના ટોચના બિઝનેસમેનો સાથે અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા કરી હતી. બેઠકમાં રતન ટાટા, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સહિત 11 બિઝનેસમેન સામેલ હતા. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય મંત્રીઓ સિવાય નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત પણ સામેલ થયા હતા. સરકાર 2020-21 માટે બજેટ પ્રસ્તાવ તૈયાર કરવામા લાગી છે.