દેશ અને દુનિયા પર આર્થિક મંદીના વાદળો ઘેરાઈ રહ્યા છે ત્યારે આ બાબતે એમેઝોનના ભૂતપૂર્વ સીઈઓએ ચેતવણી આપતા કહ્યું કે નાના વેપારી માલિકો હાલના સમયમાં નવા સાધનોમાં રોકાણ કરવાનું ટાળે અને તેમની રોકડને સાચવીને સુરક્ષિત રીતે રાખી મુકે કારણ કે આર્થિક મંદીના પગરવ સંભળાઈ રહ્યા છે.  સાથે જ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે ગ્રાહકોને ઓછો "ખર્ચ" કરવાની સલાહ આપી છે. તેમણે લોકોને કાર, રેફ્રિજરેટર જેવી વસ્તુઓ ન ખરીદવા કહ્યું છે કારણ કે આર્થિક મંદી આવી રહી છે.અબજોપતિ ઉદ્યોગપતિએ ગ્રાહકોને તેમની રોકડ સુરક્ષિત રાખવા અને બિનજરૂરી ખર્ચ ટાળવાની સલાહ આપી છે.


વર્તાઈ રહ્યા છે મંદીના એંધાણ 


અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનને આપેલા ઈન્ટરવ્યુમાં બેઝોસે કહ્યું કે આગામી આર્થિક મંદીને ધ્યાનમાં રાખીને અમેરિકન પરિવારોએ રેફ્રિજરેટર અથવા નવી કાર જેવી ઊંચી કિંમતની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. ઇન્ટરવ્યુમાં, બેઝોસે કહ્યું, "જો તમે સિંગલ છો અને તમે મોટી ટીવી સ્ક્રીન ખરીદવાનું વિચારી રહ્યાં છો. તો કદાચ હમણાં માટે રોકી રાખો અને તે રકમને સાચવી રાખો અને જુઓ કે આગળ શું થાય છે.હવે ખરીદી કરીને જોખમ ન લો. મોંઘું રેફ્રિજરેટર, નવી કાર, ગમે વસ્તુની ખરીદી કરવાનું ટાળો


એમેઝોનના ભૂતપૂર્વ સીઈઓ લોકોને ચેતવ્યા 


વધુમાં એમેઝોનના ભૂતપૂર્વ સીઈઓએ સૂચન કર્યું હતું કે નાના વેપારી માલિકો પણ હાલમાં નવા સાધનોમાં રોકાણ કરવાનું ના વિચારે તેના બદલે તે રકમ હાલ પુરતી સાચવીને રાખે. બેઝોસે કહ્યું, "શ્રેષ્ઠની આશા રાખો, પરંતુ સૌથી ખરાબ સમય માટે પણ તૈયાર રહો." આ સિવાય બેઝોસે કહ્યું કે તેઓ તેમના જીવનકાળ દરમિયાન તેમની $124 બિલિયનની મોટાભાગની સંપત્તિ દાન કરશે. ઈ-કોમર્સ પ્રણેતાએ ટીવી ચેનલને જણાવ્યું હતું કે તે તેની મોટાભાગની સંપત્તિ ક્લાઈમેટ ચેન્જ સામે લડવા અને એવા લોકોને ટેકો આપવા માટે દાન કરશે જેઓ ઊંડા સામાજિક અને રાજકીય વિભાજન છતાં માનવતાને એક કરી શકે છે. બેઝોસ હાલમાં એમેઝોનના કાર્યકારી અધ્યક્ષ છે.