નવી દિલ્હી: કેંદ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે કહ્યું કે અમેઝોન ભારતમાં રોકાણ કરી કોઈ ઉપકાર નથી કરી રહ્યું. પીયૂષ ગોયલે ભારતીય વેપારમાં અમેઝોનની ખોટ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે કોઇ કંપની આટલું નુકસાન કેવી રીતે ઉઠાવી શકે છે. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યકિત જેફ બેઝોસના ભારતમાં એક અરબ ડૉલરના રોકાણની જાહેરાતના એક દિવસ બાદ ગોયલે આ વાત કહી છે.


તેમણે કહ્યું, ઈ કોમર્સ કંપનીઓને નિયમોનું પાલન કરવું પડશે. તેમને મલ્ટી-બ્રાન્ડ રિટેલમાં બેકડોર એન્ટ્રીની શક્યતા ન શોધવી જોઇએ. દેશના મલ્ટીબ્રાન્ડ રિટેલ સેક્ટરમાં 49 ટકાથી વધુ FDIની પરવાનગી નથી.

અમેઝોનના ફાઉન્ડર બેઝોસ ભારત આવ્યા છે. વાણિજ્ય મંત્રીએ બેઝોસને મળવાનો સમય નથી આપ્યો. ત્રણ દિવસમાં બેઝોસની કોઇ સરકારી અધિકારી અથવા મંત્રી સાથે મુલાકાત થવાની જાણકારી નથી. ન્યૂઝ એજન્સી પ્રમાણે બેઝોસે પ્રધાનમંત્રીને મળવા માટે પણ સમય માગ્યો હતો.