નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટે તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની રિવ્યૂ પિટિશન ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, અમને નથી લાગતું કે નિર્ણયમાં રિવ્યૂ પિટિશનની જરૂર છે. આ રીતે ટેલિકોમ કંપનીઓએ સરકારને 92 હજાર કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ પર રિવ્યૂ પિટિશન ફગાવી દીધી હતી.


એરટેલને 23, વોડાફોન-આઇડિયાએ 27, અને આરકોમે સાડા 16 હજાર કરોડ રૂપિયા સરકારને ચૂકવવા પડશે. આ અગાઉ ગયા વર્ષે 24 ઓક્ટોબરના રોજ આપેલા નિર્ણય વિરુદ્ધ ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને ટાટા ટેલિસર્વિસે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે લાયસન્સ અને સ્પેક્ટ્રમ ફિસની ચૂકવણીની ગણના માટે એજીઆરમાં નોન ટેલિકોમ રેવન્યૂ સામેલ કરવામાં આવે. આ નિર્ણયથી ટેલિકોમ કંપનીઓનું દેવું વધી ગયું હતું. કેબિનેટે આર્થિક સંકટનો સામનો કરી રહેલી ટેલિકો કંપનીઓને રાહત આપતા તેમની  સ્પેક્ટ્રમ રકમના હપ્તાની ચૂકવણી બે વર્ષ માટે ટાળવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી.