નવી દિલ્હીઃ એરસેલ અને ડિશનેટના ગ્રાહકો માટે મોટી ખબર સામે આવી રહી છે. જો તમે આ બન્ને કંપનીઓના સિમકાર્ડ યૂઝ કરો છો તો 31 ઓક્ટોબર સુધી તે બંધ થઈ જશે. જો ગ્રાહક પોતાનો નંબર ચાલુ રાખવા માંગે છે તો 31 ઓક્ટોબર પહેલા પોતાનો નંબર અન્ય નેટવર્કમાં પોર્ટ કરાવી લો. TRAIના નિયમ અનુસાર હાલના સમયમાં લગભગ 70 મિલિયન એરસેલના ગ્રાહકો છે. આ ગ્રાહકોએ જો નક્કી સમય સુધી પોતાનો નંબર પોર્ટ ન કરાવ્યો તો અચાનકથી દરેક સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે.


ફેબ્રુઆરી 2018માં એરસેલે પોતાની સર્વિસ સાવ બંધ કરી દીધી હતી. એ સમયે કંપનીના 9 કરોડ યૂઝર્સ હતા. એ સમયે TRAIએ એરસેલને યુનિક પૉર્ટિંગ કોડ આપવાનું કહ્યું હતું જેથી યૂઝર્સ તેમનો નંબર પૉર્ટ કરાવી શકે. 9 કરોડમાંથી 2 કરોડ યૂઝર્સે તેમના નંબર પૉર્ટ કરાવી લીધા હતા. પરંતુ 7 કરોડ યૂઝર્સ હજી પણ એવા છે કે જેમણે નંબર પૉર્ટ નથી કરાવ્યો. આવા યૂઝર્સ માટે TRAIએ 31 ઑક્ટોબર 2019 સુધીની ડેડલાઈન આપી છે. જેમાં એરટેલ ડિશનેટના ગ્રાહકોનો સમાવેશ થાય છે.

પોર્ટ કેવી રીતે કરશો?

મેન્યુઅલી નેટવર્ક પસંદ કર્યા બાદ મેસેજમાં જઈને ટાઈપ કરો PORT. ત્યાર બાદ પોતાનો એરસેલ મોબાઈલ નંબર ટાઈપ કરો અને 1900 પર મેસેજ મોકલી દો. અમુક મિનિટમાં તમારા નંબર પર યુનિક પોર્ટિંગ કોડ આવશે. તમે જે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરની સેવા લેવા માંગો છે તેના સ્ટોર પર જાઓ અને UPC કોડની મદદથી પોતાનો નંબર બીજા નેટવર્કમાં પોર્ટ થઈ જશે.