Unemployment Rate: રોજગારના મોરચે દેશને સારા સમાચાર મળ્યા છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) એ શુક્રવારે આંકડા જાહેર કરતા જણાવ્યું કે દેશમાં બેરોજગારી દર એપ્રિલ જૂન ત્રિમાસિક દરમિયાન ઘટીને 6.6 ટકા થયો છે. એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં આ આંકડો 6.7 ટકા હતો. NSO ના પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ના આંકડા અનુસાર, પુરુષોમાં બેરોજગારી ઘટી છે. પરંતુ, મહિલાઓમાં બેરોજગારીનો આંકડો વધીને પ્રથમ ત્રિમાસિકમાં 9 ટકા પર પહોંચ્યો છે. એક વર્ષ પહેલા આ આંકડો 8.5 ટકા હતો. આ સરકાર માટે ચિંતાજનક બાબત છે.
યુવાનોમાં પણ બેરોજગારી દર ઘટ્યો
PLFS ડેટા અનુસાર, પુરુષોમાં હેડલાઇન બેરોજગારી દર એપ્રિલ જૂન ત્રિમાસિક દરમિયાન 6.1 ટકાથી ઘટીને 5.8 ટકા રહ્યો છે. સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે યુવાનો (15-29 વર્ષ) માટે બેરોજગારી દર પણ પ્રથમ ત્રિમાસિકમાં ઘટીને 16.8 ટકા થયો છે. આ ગત ત્રિમાસિકમાં 17 ટકા હતો. આ આંકડો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ ઉંમરના યુવાનો સામાન્ય રીતે પ્રથમ વખત નોકરીમાં આવે છે. આનાથી જાણવા મળે છે કે લેબર માર્કેટ મજબૂત થઈ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન યુવા પુરુષોનો બેરોજગારી દર નીચે ગયો છે અને યુવા મહિલાઓ માટે આ આંકડામાં વધારો આવ્યો છે.
લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટમાં પણ સુધારો આવ્યો
શહેરોમાં નોકરી કરતા અને નોકરીની શોધ કરી રહેલા લોકોની સ્થિતિ દર્શાવતો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR) પણ નાણાકીય વર્ષ 2024-25 ની પ્રથમ ત્રિમાસિક દરમિયાન 50.1 ટકા રહ્યો છે. આ નાણાકીય વર્ષ 2023-24 ની ચોથી ત્રિમાસિકમાં 50.2 ટકા હતો. પુરુષોમાં કામ પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળ્યો. તેમનો LFPR ગત ત્રિમાસિકના 74.4 ટકાથી વધીને 74.7 ટકા થયો. જોકે, મહિલાઓનો LFPR ગત ત્રિમાસિકના 25.6 ટકાથી ઘટીને 25.2 ટકા રહ્યો છે.
સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં રોકાયેલા લોકોનો હિસ્સો ઘટ્યો
NSO ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં રોકાયેલા લોકોનો હિસ્સો ગત ત્રિમાસિકના 40.5 ટકાથી ઘટીને 40 ટકા રહ્યો છે. ગત ત્રિમાસિક દરમિયાન પગારદાર કર્મચારીઓ અને કેઝ્યુઅલ મજૂરોનો હિસ્સો વધીને અનુક્રમે 49 ટકા અને 11 ટકા થયો. આ સમયગાળા દરમિયાન નિયમિત કામમાં મહિલા શ્રમિકોનો હિસ્સો 52.3 ટકાથી વધીને 54 ટકા થયો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કામદારોનો હિસ્સો પણ 32 ટકાથી વધીને 32.1 ટકા થયો. NSO એ પ્રથમ કમ્પ્યુટર આધારિત સર્વે એપ્રિલ, 2017 માં શરૂ કર્યો હતો.