ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 34 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટર 30 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 95 રૂપિયા 72 પૈસા પર પહોંચ્યો છે. તો ડિઝલનો ભાવ 96 રૂપિયા 08 પૈસા થયો છે. અનેક રાજ્યોમાં તો પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર પેટ્રોલ પર કેન્દ્ર સરકાર કરતાં વધારે ટેક્સ લે છે. આવો જાણીએ આ મસેજેમાં કેટલું સત્ય છે.


વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, કુલ પેટ્રોલની કિંમતમાં કેન્દ્ર સરકાર 18.50 રૂપિયા ટેક્સ લે છે અને રાજ્ય સરકાર 39.55 રૂપિયા ટેક્સ વસુલે છે. જોકે આ મેસેજમાં કહેવામાં આવેલી વાત બિલકુલ ખોટી છે. કારણ કે દરેક રાજ્યમાં વેટના દર અલગ અલગ હોય ટેક્સની રકમ અલગ અલગ છે. કેન્દ્ર સરાકર પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી અને સરચાર્જ વસુલે છે જે રાજ્યના વેટ કરતાં વધારે છે.  દેશમાં વધી રહેલ પેટ્રોલના ભાવને લઈને વિપક્ષી દળોએ વિરોધ પ્રદર્શનો કર્યા છે. ત્યારે આ મામલે સરકારે પોતાનો પક્ષ રાખ્યો હતો.


વાયરલ મેસેજ


પેટ્રોલ-ડિઝલ પર કેટલો ટેક્સ વસૂલે છે સરકાર ?


સરકારનું કહેવું છે કે, કિંમત આંતરરાષ્ટ્રિય કિંમતને કારણે વધી રહી છે. પરંતુ અસલમાં એક લિટર પેટ્રોલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો ટેક્સ તરીકે તગડી રકમ વસૂલી રહી છે. પેટ્રોલ પર કેન્દ્ર સરકાર રાજ્યો કરતાં પણ વધારે ટેક્સ લઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલ પર લગાવવામાં આવેલ વેટ દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. સરેરાશ રાજ્ય સરાકર એક લિટર પેટ્રોલ પર અંદાજે 20 રૂપિયા (અંદાજે 21થી 22 ટકા) અને કેન્દ્ર સરકાર અંદાજે 33 રૂપિયા (33થી 34 ટકા) ટેક્સ વસૂલે છે. એટલે કે પેટ્રોલ ડિઝલ પર લોકો અડધાથી વધારે રકમ તો સરકારને ટેક્સ તરીકે આપી રહી છે. 


વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?


દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.


2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર


2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર


2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર


2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર


2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર


2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર


2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર