નવી દિલ્હીઃ વર્લ્ડ સાયકલ દિવસ પર બુધવારે સમાચાર આવ્યા કે 69 વર્ષ જુની એટલાસ સાયકલ કંપની આર્થિક તંગીના કારણે પોતાનો પ્લાન્ટ બંધ કરી દીધો છે, પ્લાન્ટ બંધ થતાં કંપનીમાં કામ કરી રહેલા 450 કર્મચારીઓને રોજીરોટીનો સવાલ ઉભો થયો છે. ખાસ વાત છે કે દેશને પહેલી રેસિંગ સાયકલ આપનારી એટલાસ હવે માત્ર યાદોમાં જ રહેશે. એટલાસ કંપની છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગી સામે ઝઝૂમી રહી હતી.


એક સમય એવો હતો જ્યારે કંપનીએ વર્ષની 40 લાખ સાયકલ બનાવીને રેકોર્ડ સ્થાપિત કરી દીધો હતો. હવે રિપોર્ટ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી કંપની સામે મોટુ આર્થિક સંકટ ઉભુ થયુ હતુ જેના કારણે કામ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. પ્રબંધકે કહ્યું કે, કંપની પાસે ફેક્ટરી ચલાવવાના પૈસા નથી, એટલુ જ નહીં કાચો માલ ખરીદવાના પણ પૈસા નથી. એટલે વર્કર્સ લે-ઓફ કરી દે. આ કારણે કર્મચારીઓની હાજરી પુરીને પરત જવુ પડે છે.



ફેક્ટરી ચલાવવા માટે કાચો માલ નથી એટલે પ્રબંધકે કર્મચારીઓને કહ્યું કે હાલ અમે ફેક્ટરી ચલાવવાની સ્થિતિમાં નથી, નોટિસમાં વર્કર્સને 3 જૂન સુધી લે-ઓફ કરવાનુ કહેવામાં આવ્યુ છે.

1951માં જાનકી દાસ કપૂર દ્વારા સ્થાપિત એટલાસ સાયકલ કંપનીએ પહેલા જ વર્ષે 12 હજાર સાયકલ બનાવવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. 1965 સુધી આ દેશની સૌથી મોટી સાયકલ નિર્માતા કંપની બની ગઇ હતી. 1978માં ભારતમાં પહેલી રેસિંગ સાયકલ લૉન્ચ કરીને એટલાસે આખી દુનિયામાં ટૉપની સાયકલ કંપનીઓમાં નામ હાંસલ કરી લીધુ હતુ.