નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકને 14,000 કરોડનો ચૂનો લગાવી લંડન ભાગી ગયેલા હીરા કારોબારી નીરવ મોદીના પેઇન્ટિંગ્સની મંગળવારે હરાજી કરી હતી. આ હરાજીમાં વિભાગને 59.37 કરોડની કમાણી થઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નીરવની કુલ 68 પેઈન્ટિંગ્સની હરાજી કરી હતી. નીરવ પર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના 97 કરોડ બાકી છે. ફરાર હીરા વેપારી હાલ લંડનની એક જેલમાં બંધ છે.

રિપોર્ટ્સ અનુસાર, ઇન્કમ ટેક્સ વિભાગે હરાજી માટે એક પ્રાઈવેટ કંપનીની મદદ લીધી હતી. કંપનીનું કમિશન કાપીને વિભાગના ખાતામાં કુલ 54.84 કરોડ રૂપિયા આવશે.  નીરવ પાસે  રાજા રવિ વર્મા, જગન ચૌધરી, વીએસ ગાયતોંડે, એફએન સૂજા અને અકબર પદ્મશ્રી જેવા નામચીન કલાકારોની પેઈન્ટિંગ્સનું શાનદાર કલેક્શન હતું.

વીએસ ગાયતોંડે દ્વારા બનાવવામાં આવેલી એક પેઈન્ટિંગ્સ 25.24 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. જોકે, 2015માં તેની બોલી 29.3 કરોડ રૂપિયા લાગી હતી, અને તે સમયે તે દેશની સૌથી મોંઘી પેઈન્ટિંગ બની હતી. નીરવ મોદીની ફર્મ કેમલોટ એન્ટરપ્રાઈઝે આ 68 પેઈન્ટિંગ્સની હરાજી વિરુદ્ધ રાજસ્વ વિભાગને એક લીગલ નોટિસ મોકલી છે. આમાં લખવામાં આવ્યું છે કે, સૈફરનઆર્ટ ઓનલાઈન આર્ટ કેટલોગમાં હરાજી માટે 68 કલાકૃતિઓનું લીસ્ટ છે. તેના પર ધ્યાન નથી આપવામાં આવ્યું કે 68માંથી માત્ર 19 પેઈન્ટિંગ્સ કંપની સાથે જોડાયેલી છે. આ હરાજી ગેરકાદેસર છે અને તેને રદ્દ કરવામાં આવે.


પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટે 20 માર્ચના રોજ તપાસ એજન્સીઓને નીરવ મોદીની માલિકીના હકવાળી 173 પેઈન્ટિંગ્સ અને 11 ગાડીઓની હરાજી કરવાની મંજૂરી આપી હતી.