નવી દિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ (2024-2025)માં દેશનો GDP વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે. ગયા નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. મંગળવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. NSO એ નાણાકીય વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય આવકના પ્રથમ અંદાજ જાહેર કરતા કહ્યું કે આ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી 6.4 ટકાના દરે વધવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી વૃદ્ધિનો કામચલાઉ અંદાજ 8.2 ટકા રહેવાની વાત કરવામાં આવી છે.
RBI કરતા પણ ઓછો અંદાજ
ચાલુ નાણાકીય વર્ષ માટે NSOનો GDP વૃદ્ધિનો અંદાજ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના અંદાજ કરતાં ઓછો છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી 6.6 ટકાના દરે વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. આ કોરોના મહામારી પછીનો સૌથી ધીમો વાર્ષિક જીડીપી વૃદ્ધિ દર છે, જ્યારે વર્ષ 2020-21 દરમિયાન તે ઘટીને -5.8% થયો હતો.
RBIના 6.6 ટકાના તાજેતરના અંદાજ કરતા ઓછો
સ્ટેટેસ્ટીક ડીપાર્ટમેન્ટના આ અંદાજ માર્ચ 2025માં પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના 6.6 ટકાના તાજેતરના અંદાજ કરતા ઓછો છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ અર્ધવાર્ષિક (H1)માં ધીમી કામગીરી હોવા છતાં, મંત્રાલયને અપેક્ષા છે કે ગ્રામીણ માંગ મજબૂત રહેવા સાથે બીજા અર્ધવાર્ષિક (H2)માં કૃષિ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં તેજી આવશે. આના કારણે ભારત 6.4% થી 6.8% નો વિકાસ દર હાંસલ કરે તેવી શક્યતા છે. સરકાર માને છે કે આ ક્ષેત્રોમાં સુધારાથી આર્થિક વિકાસના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ મળશે.
એડવાન્સ જીડીપી અંદાજ કેન્દ્રીય બજેટ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ અંદાજ FY24 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન વૃદ્ધિમાં તીવ્ર ઘટાડા પછી આવ્યો છે, જે 5.4% પર હતો. બીજા ક્વાર્ટરમાં સ્લોડાઉને આરબીઆઈને નાણાકીય વર્ષ 24 માટે વિકાસના અનુમાનને રિવાઈઝ કરવા માટે મજબૂર કર્યા.બાદમાં આરબીઆઈએ તેના અનુમાનને ઘટાડીને 6.6% કર્યો, જે અગાઉના 7.2%ના અંદાજ કરતા ઓછો છે.