Ban On Diesel Vehicles: ડીઝલથી ચાલતા ફોર-વ્હીલર પર પ્રતિબંધ મૂકવા માટે પેટ્રોલિયમ મંત્રાલયની પેનલની ભલામણ પર મંત્રાલયે સ્પષ્ટતા જારી કરી છે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં ડીઝલ ફોર વ્હીલર પર પ્રતિબંધ મૂકવાની ભલામણ સરકારે હજુ સુધી સ્વીકારી નથી.


પેટ્રોલિયમ મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે એનર્જી ટ્રાન્ઝિશન એડવાઈઝરી કમિટિનો રિપોર્ટ પેટ્રોલિયમ મંત્રાલયને મળી ગયો છે. પરંતુ ભારત સરકારે હજુ સુધી આ અહેવાલ સ્વીકાર્યો નથી. મંત્રાલયે કહ્યું કે એનર્જી ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટીના સૂચનો મંત્રાલયો તેમજ રાજ્યો સહિત અનેક હિતધારકો સાથે સંકળાયેલા છે. આ રિપોર્ટ પર તમામ હિતધારકો સાથે ચર્ચા કરવામાં આવશે. આવી સ્થિતિમાં રિપોર્ટ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.






પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું કે, ભારત વર્ષ 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. એનર્જી ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટીએ નીચા કાર્બન ઇંધણને અપનાવવા માટે ઘણા સૂચનો આપ્યા છે અને સમિતિનું વિઝન ભવિષ્ય વિશે છે.






વાસ્તવમાં, પેટ્રોલિયમ મંત્રાલયની આ પેનલે આગામી દિવસોમાં ડીઝલથી ચાલતી કાર અને એસયુવી પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. તેના અહેવાલમાં, પેનલે કેન્દ્ર સરકારને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 2027 સુધીમાં ડીઝલથી ચાલતા ફોર-વ્હીલર પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. રિપોર્ટમાં 2024થી માત્ર ઇલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં નવી ડીઝલ બસ ન દોડાવવામાં આવે.


નોંધનીય છે કે, ભૂતપૂર્વ પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરની અધ્યક્ષતામાં ઊર્જા સંક્રમણ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં સરકારી તેલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે તરુણ કપૂર વડાપ્રધાનના સલાહકાર બન્યા ત્યારે ONGCના પૂર્વ અધ્યક્ષ સુભાષ કુમારને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અને તેમની અધ્યક્ષતામાં સમિતિએ અહેવાલ તૈયાર કરીને પેટ્રોલિયમ મંત્રાલયને સુપરત કર્યો છે.


રિપોર્ટમાં રોડ ટ્રાન્સપોર્ટ માટે ઈલેક્ટ્રીક વાહનો પર ભાર મુકવામાં આવ્યો છે, સાથે જ ડીઝલથી ચાલતા ફોર વ્હીલર પર જલદીથી પ્રતિબંધ લગાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સમિતિએ 2027 સુધી એટલે કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં અને ઉચ્ચ પ્રદૂષણ ધરાવતાં શહેરોમાં આગામી પાંચ વર્ષ સુધી ડીઝલ સંચાલિત ફોર વ્હીલર પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડીઝલથી ચાલતી બસોને શહેરી વિસ્તારોમાં બિલકુલ સામેલ ન કરવી જોઈએ.