Bank Five Days Working: ભારતમાં બેન્ક કર્મચારીઓને એક મહત્વના અને ખુશ કરનારા સમાચાર મળી શકે છે. આવતા અઠવાડિયે દેશભરના બેન્ક કર્મચારીઓને ફાઇવ ડે વર્ક વીકના સમાચાર મળી શકે છે. ખરેખરમાં, હવે બેન્ક કર્મચારીઓને મહિનાના તમામ શનિવારે રજા મળશે તે માટે તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે એક અઠવાડિયામાં મોટું અપડેટ સામે આવી શકે છે.
પાંચ દિવસ કામ, બે દિવસ આરામ -
હાલમાં, ભારતમાં બેન્કમાં દર સપ્તાહના દર રવિવારે અને દર બીજા અને ચોથા સપ્તાહના શનિવારે રજા હોય છે. આ ફેરફાર બાદ દર મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે બેન્કમાં રજા રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો હવે બેન્કમાં પાંચ કામકાજના દિવસોનું એક સપ્તાહ લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત બેન્ક કર્મચારીઓ સોમવારથી શુક્રવાર દર અઠવાડિયે પાંચ દિવસ કામ કરશે, જ્યારે તેમની પાસે શનિવાર અને રવિવારે બે દિવસની રજા રહેશે.
28 જુલાઇએ થશે મહત્વની બેઠક -
લાઈવ મિન્ટના એક સમાચાર મુજબ, આવતા સપ્તાહે શુક્રવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં બેન્કના પાંચ દિવસીય વર્કવીક પર મહોર લાગી શકે છે. 28 જુલાઈએ ઈન્ડિયન બેન્ક એસોસિએશન (IBA) બેન્ક કર્મચારીઓના સંગઠન યૂનાઈટેડ ફૉરમ ઓફ બેન્ક એમ્પ્લૉઈઝ સાથે બેઠક કરવા જઈ રહ્યું છે. મે મહિનાની શરૂઆતમાં કેટલાય સમાચારોમાં એવું કહેવામાં આવ્યું હતું કે IBA અને યૂનાઇટેડ ફૉરમ ઑફ બેંક એમ્પ્લૉઇઝ પાંચ દિવસના કામકાજના સપ્તાહ પર સહમત થયા છે.
બેન્ક યૂનિયને કહી હતી આવી વાત -
યૂનાઈટેડ ફૉરમ ઓફ બેન્ક એમ્પ્લૉઈઝે 17 જુલાઈએ કહ્યું હતું કે તેમને આગામી મીટિંગમાં ચર્ચા માટે પાંચ દિવસના કાર્યકારી સપ્તાહનો પ્રસ્તાવ મૂક્યો છે. IBAએ કહ્યું છે કે તેના પર સક્રિય રીતે વિચારણા કરવામાં આવી રહી છે. અમે IBAને આ મામલાને ઝડપી બનાવવા વિનંતી કરી છે જેથી કરીને બેંક કર્મચારીઓ માટે નવી વ્યવસ્થા લાગુ કરવામાં વધુ વિલંબ ન થાય.
આ મુદ્દાઓ પર પણ થશે ચર્ચા -
સીએનબીસીના અહેવાલ મુજબ 28 જુલાઈએ યોજાનારી બેઠકમાં આઈબીએ અને યૂનાઈટેડ ફૉરમ ઓફ બેન્ક એમ્પ્લૉઈઝ કેટલાક અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે. આગામી મીટિંગમાં 5-દિવસના કાર્ય સપ્તાહ ઉપરાંત બંને સંસ્થાઓ પગાર વધારો અને નિવૃત્ત કર્મચારીઓ માટે જૂથ તબીબી વીમાની જરૂરિયાત જેવા મુદ્દાઓ વિશે પણ વાત કરી શકે છે.
વધી જશે કામના કલાકો -
સરકારે થોડા સમય પહેલા ભારતીય જીવન વીમા નિગમમાં 5-દિવસના કાર્ય સપ્તાહની સિસ્ટમ લાગુ કરી છે. જે બાદ બેન્કમાં તેને લાગુ કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પણ વેગ મળ્યો છે. સમાચાર અનુસાર, નવી સિસ્ટમ લાગુ થયા બાદ બેંક કર્મચારીઓના રોજના કામકાજના કલાકો વધી શકે છે. નવી સિસ્ટમ હેઠળ તેઓએ સવારે 9:45 થી સાંજે 5:30 સુધી એટલે કે દરરોજ 40 મિનિટ વધારાનું કામ કરવું પડશે.