નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની બેન્કોના વિલય અને જમા રકમ પર વ્યાજ દર ઘટાડવાના વિરોધમાં કેટલાક કર્મચારી યુનિયનોએ મંગળવારે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. જેને કારણે બેન્કોના કામકાજ પ્રભાવિત થઇ શકે છે. ભારતીય સ્ટેટ બેન્ક સહિત મોટાભાગની બેન્કોએ પોતાના ગ્રાહકોને આ સંબંધમાં અગાઉથી જાણકારી આપી હતી. અનેક જાહેર ક્ષેત્રની બેન્કોના વિલયના વિરોધમાં યુનિયનોએ એક દિવસની હડતાળ જાહેર કરી છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ અસોસિયેશન તથા બેન્ક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ હડતાળ જાહેર કરી છે. જોકે, પ્રાઇવેટ બેન્કો હડતાળમાં સામેલ થશે નહીં.
એસબીઆઇએ છેલ્લા સપ્તાહે શેર બજારને મોકલેલી સૂચનામાં કહ્યું છે કે આ હડતાળમાં સામેલ કર્મચારી યુનિયનમાં અમારા બેન્ક કર્મચારીઓની સંખ્યા ખૂબ ઓછી છે. એવામાં હડતાળથી બેન્કના કામકાજ પર અસર ખૂબ સિમિત રહેશે. સાર્વજનિક ક્ષેત્રની અન્ય એક બેન્ક સિંડિકેટ બેન્કે કહ્યું કે, પ્રસ્તાવિત હડતાળને લઇને બેન્ક પોતાની બ્રાન્ચમાં સામાન્ય કામકાજ માટે જરૂરી પગલા ઉઠાવશે. જોકે,. હડતાળની સ્થિતિમાં બેન્ક શાખાઓ અને કાર્યાલયોનું કામ કાજ પ્રભાવિત થઇ શકે છે.
AIEBEAના મહાસચિવ સી.એચ.વેંકટચલમે કહ્યું કે, ચીફ લેબર કમિશનર દ્ધારા બોલાવવામાં આવેલા પરિણામ સકારાત્મક નહી રહેવાના કારણે અમે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. ભારતીય બેન્ક સંઘ અને યુનિયનોની બેઠકમાં કોઇ સહમતિ બની નહોતી.