અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ સ્વૈચ્છિક લોકડાઉન અથવા બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓફિસોમાં પણ સરકારે 50 ટકા સ્ટાફ સામે કામ કરવાના આદેશ આપ્યા છે ત્યારે હવે બેંકોએ પણ પોતાના કામકાજના સમયમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.


ગુજરાતમાં કોરોનાની મહામારીને જોતા આજથી આગામી 30 એપ્રિલ સુધી બેંકોમાં કામકાજનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. આમ જે પણ ખાતાધારકે રૂપિયા ઉપાડવા કે જમા કરાવવા હશે અને અન્ય કોઈ પણ કામ હશે તો બપોરે 2 વાગ્યા પહેલા તે પૂરા કરી લેવાના રહેશે.


કોરોના કાળમાં હાલમાં મોટાભાગની ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ થઈ રહ્યું છે જેના કારણે હવે બેંકોમાં પણ સ્ટાફ ઓછો કરવામાં આવ્યો છે. જોકે બેંકના આ સમયગાળા દરમિયાન ગ્રાહકોના આરટીજીએસ, ક્લિયરિંગ તેમજ રેમિટેન્સિસ જેવાં કામોને પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે જ બેંકોના કામકાજના સમયમાં ઘટાડો કરવાને કારણે ગ્રાહકોને રૂપિયાની લેવડ દેવડમાં કોઈપણ જાતની મુશ્કેલી ઊભી ન થાય તે માટે તમામ બેન્કોને એટીએમમાં પૂરતાં નાણાં રાખવાની સૂચના આપવામાં આવી છે.


આ મામલે 15 એપ્રિલના રોજ સ્ટેટ લેવલ બેન્કર્સની એક મીટિંગ મળી હતી જેમાં બેન્કના સમયમાં ફેરફાર કરવાની વાત કરવામાં આવ હતી. સાથે જ સરકારના નાણાં વિભાગ દ્વારા આ મામલે એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.


નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેરે કહેર મચાવી દીધો છે. ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 121 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે.


રાજ્યમાં ગઈકાલે 4339 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,46,063 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 76 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 76500 પર પહોંચ્યો છે. જેમાંથી 353 લોકો વેન્ટિલેટર પર અને 76147 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.82 ટકા છે.