નવી દિલ્હીઃ વરિષ્ઠ નાગરિકોને સામાજિક સુરક્ષા માટે કેન્દ્ર સરકારે વડાપ્રધાન વંદન યોજના (પીએમવીવીઆઇ)માં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ ફેરફારોને સરકારનું મોટુ પગલુ તરીકે જોવામાં આવે છે. સરકારે પીએમવીવીઆઇના રોકાણની રકમ વધારીને 15 લાખ રૂપિયા કરી દીધી છે. આની સાથે જ હવે વરિષ્ઠ નાગરિકોને દર મહિને 10,000 રૂપિયા પેન્શન મળવાનો રસ્તો ચોખ્ખો થઇ ગયો છે. પહેલા આ રકમનું મેક્સિમમ લેવલ 7.5 લાખ રૂપિયા હતું.
આ નિર્ણય પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ મીટિંગ બાદ લેવામાં આવ્યો છે. આ યોજનામાં સભ્ય બનવા માટેની અંતિમ તારીખ પણ લંબાવી દીધી છે. પહેલા આની અંતિમ તારીખ 4 મે, 2018 હતી હવે આને 31 માર્ચ, 2020 સુધી 60 વર્ષથી વધુની ઉંમર વાળા લોકો આ યોજનાના સભ્ય બની શકે છે.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ ફેરફારની સ્પષ્ટતા કરતા કહ્યું કે, વરિષ્ઠ નાગરિકોની સામાજિક સુરક્ષા કવર વધારવા માટે સરકાર તરફથી આ પગલુ ભરવામાં આવ્યું છે.
અત્યારે 2.23 લાખ વરિષ્ઠ નાગરિકો આ યોજનાનો લાભ લઇ રહ્યાં છે, આ અંતર્ગત તેમને દર મહિને 1000 રૂપિયા મળે છે.
શું છે પીએમવીવીઆઇ યોજનાઃ - 60 વર્ષથી વધુની ઉંમર વાળા લોકો માટે શરૂ કરવામાં આવેલી પીએમવીવીઆઇ યોજના એલઆઇસી દ્વારા પુરી થશે. આ યોજનાના સભ્યને 8 ટકા રિટર્નની સાથે દસ વર્ષ સુધી 10,000 રૂપિયા પેન્શન મળતુ રહેશે. સભ્ય આ પેન્શનને દરેક મહિનામાં, ત્રણ મહિના, છ મહિના કે 1 વર્ષમાં લઇ શકે છે. આ ઉપરાંત એલઆઇસી જો 8 ટકા રિટર્ન આપવામાં સફળ નથી થતી તો સરકાર તેની ભરપાઇ કરશે અને સબસિડી આપશે.