CPI inflation: મોંઘવારી સામે સરકાર અને સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. ડિસેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 6 ટકાની નીચે જોવા મળ્યો છે. આ સતત બીજો મહિનો છે જ્યારે ફુગાવો 6 ટકાથી નીચે રહ્યો છે અને નવેમ્બરની સરખામણીમાં થોડો ઘટાડો થયો છે. ડેટા અનુસાર, દેશનો રિટેલ મોંઘવારી દર 5.72 ટકા જોવામાં આવ્યો છે, જ્યારે નવેમ્બર મહિનામાં આ આંકડો 5.88 ટકા હતો. હવે દેશમાં છૂટક મોંઘવારી એક વર્ષની નીચી સપાટીએ આવી ગઈ છે.


ખાદ્ય ફુગાવામાં ઘટાડો, IIPમાં ઉછાળો


ખાદ્યપદાર્થોના નીચા ભાવ, ખાસ કરીને શાકભાજીએ ફુગાવાને સહનશીલતાના સ્તરની અંદર રાખવામાં મદદ કરી છે. ફુગાવાના બકેટમાં લગભગ 40 ટકા હિસ્સો ધરાવતા ખાદ્યપદાર્થોનો ફુગાવો ડિસેમ્બરમાં ઘટીને 4.19 ટકા પર આવી ગયો છે, જે અગાઉના મહિનામાં 4.67 ટકા હતો. બીજી તરફ, ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક (IIP) નવેમ્બરમાં 7.1 ટકા વધ્યો હતો જે ઓક્ટોબરમાં 4 ટકા હતો, તેમ સરકારી ડેટામાં જોવા મળઅયું છે.






સરકારે આરબીઆઈને આ લક્ષ્યાંક આપ્યો છે


સરકારે આરબીઆઈને રિટેલ ફુગાવો 2 ટકાની રેન્જ સાથે 4 ટકા પર જાળવી રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. આ લક્ષ્ય પાંચ વર્ષના સમયગાળા માટે છે, જે માર્ચ 2026માં પૂર્ણ થશે. યુએસમાં ડિસેમ્બર રિટેલ ફુગાવો પણ ઘટવાની ધારણા છે. આ આંકડા આજે સાંજે જાહેર કરવામાં આવશે.


દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો


મોંઘવારી સાથે ઔદ્યોગિક ઉત્પાદનના મોરચે પણ સારા સમાચાર છે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) પર આધારિત ઔદ્યોગિક ઉત્પાદન નવેમ્બરમાં 7.1 ટકાના દરે વધ્યું હતું. આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના આંકડા પરથી આ માહિતી મળી છે. એપ્રિલથી નવેમ્બરના સમયગાળામાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન 5.5 ટકાના દરે વધ્યું છે. ઓક્ટોબરમાં ભારતનો IIP 4 ટકા ઘટ્યો હતો. તે જ સમયે, નવેમ્બર 2021 માં, IIP એક ટકાના દરે વધ્યો.