Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે અને આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે. આ સિવાય તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ ઘરોમાં સોલાર પેનલનું વિતરણ કરવામાં આવશે અને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.






નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકાર તમામ લક્ષ્યોને પૂર્ણ કરી રહી છે. તેમણે કહ્યું કે એક કરોડ લખપતિ દીદીઓ બની ચૂકી છે અને હવે તે વધારીને 3 કરોડ કરી દેવામાં આવશે.  83 લાખ સ્વ-સહાય જૂથોમાં 9 કરોડ મહિલાઓ જોડાઈ છે. આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય કવચ તમામ આશા અને આંગણવાડી કાર્યકરો અને સહાયકોને આપવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વૃદ્ધિના વર્ષ હશે.


મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો થશે


નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “અમારી સરકાર વિવિધ વિભાગો હેઠળ હાલના હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને વધુ મેડિકલ કોલેજો સ્થાપવાની યોજના બનાવી રહી છે. આ હેતુ માટે મુદ્દાઓની તપાસ કરવા અને ભલામણો કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે.


નિર્મલા સીતારમણે કહ્યું કે ડીઝલ વાહનો રોડથી દૂર થશે અને ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. ઈ-બસને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. નાણામંત્રી સીતારમણે કહ્યું કે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે. દેશમાં ત્રણ નવા રેલ કોરિડોર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર રેલવે અને દરિયાઈ માર્ગોને જોડવાનું કામ પણ કરશે. મુસાફરો માટે ટ્રેનોમાં પણ સુવિધા વધારવામાં આવશે.