Budget 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકાર 23 જૂલાઈએ બજેટ 2024 રજૂ કરવા જઈ રહી છે. લોકોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને તેમાં નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS હેઠળ ઉપલબ્ધ વધારાની કર મુક્તિમાં વધારવાની અપેક્ષાઓનો સમાવેશ થાય છે. સરકારે FY2015-16માં NPSમાં 50,000 રૂપિયા સુધીની વધારાની કર કપાતની મંજૂરી આપી હતી. એવું માનવામાં આવે છે કે બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ મર્યાદા વધારવાની જાહેરાત કરી શકે છે.
હાલમાં મળે છે આટલી ટેક્સ છૂટ
કોઈ વ્યક્તિ જૂની કર વ્યવસ્થામાં કલમ 80CCD (1B) હેઠળ રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)માં તેના યોગદાન માટે 50,000 રૂપિયા સુધીની કપાતનો લાભ લઈ શકે છે, જે નવી કર વ્યવસ્થામાં લાગુ પડતી નથી. આ કપાત આવકવેરા કાયદાની કલમ 80CCD (1B) હેઠળ ઉપલબ્ધ છે. આ કર લાભો NPS ને રોકાણનો સારો વિકલ્પ બનાવે છે
આ યોજના હેઠળ કર્મચારીઓ તેમની બેઝિક સેલેરી (ડીએની સાથે) ના 10 ટકા સુધીના યોગદાન પર કર કપાતનો દાવો કરી શકે છે. જે કલમ 80Cની કુલ રોકાણ મર્યાદા હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી આવે છે. આ સિવાય કલમ 80CCD (1B) હેઠળ 50,000 રૂપિયાની વધારાની કપાત કરી શકાય છે. મોદી સરકારના આ બજેટથી એવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે નવી ટેક્સ વ્યવસ્થામાં NPSમાં પણ છૂટ આપવામાં આવે.
નવી કર વ્યવસ્થામાં પણ છૂટની માંગ
બિઝનેસ ટુડે પર પ્રકાશિત એક અહેવાલ અનુસાર, નિષ્ણાતો નવી કર વ્યવસ્થામાં સેક્શન 80CCD (1B) હેઠળ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં 50,000 રૂપિયા સુધીના યોગદાન માટે કર મુક્તિને મહત્વ આપી રહ્યા છે. તેમનું સૂચન છે કે નવી કર વ્યવસ્થામાં આ મુક્તિનો સમાવેશ કરવો વધુ ફાયદાકારક રહેશે. જો સરકાર આવો નિર્ણય લે છે તો તેનો એક ફાયદો એ થશે કે જૂની ટેક્સ સિસ્ટમની જેમ નવી ટેક્સ સિસ્ટમમાં શિફ્ટ થવા માટે પ્રોત્સાહન મળી શકે છે.
NPS ગ્રાહક આધાર બેઝ 180 મિલિયન
નોંધનીય છે કે લોકોને પેન્શનની આવક આપવા માટે સરકારે NPSની શરૂઆત કરી હતી. તે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત છે. તેમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. PFRDAએ 2023-24માં બિન-સરકારી ક્ષેત્રોમાંથી NPSમાં 947,000 નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા જેનાથી NPS AUM વાર્ષિક ધોરણે 30.5 ટકા વધીને રૂ. 11.73 લાખ કરોડ થઈ ગયું છે. 31 મે 2024 સુધીમાં કુલ NPS સબ્સ્ક્રાઇબર બેઝ 180 મિલિયન છે.