Budget 2025 halwa ceremony: બજેટ 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નાણા મંત્રાલયમાં આજે એટલે કે 24મી જાન્યુઆરીએ બજેટ હલવા સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ બજેટ 2025 તૈયાર કરવાની સત્તાવાર પ્રક્રિયાનો પણ આરંભ થયો છે. દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નોર્થ બ્લોકમાં મંત્રાલયોના અધિકારીઓ સાથે હલવા સમારોહની ઉજવણી કરી હતી. આ પ્રસંગે નાણામંત્રીએ પોતાના હાથે તમામ અધિકારીઓને હલવો પીરસ્યો હતો. આ સમારોહ સાથે જ બજેટ બનાવવાની પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ લોકોને 1લી ફેબ્રુઆરી સુધી એટલે કે બજેટ રજૂ થાય ત્યાં સુધી નાણા મંત્રાલયમાં જ રાખવામાં આવે છે. હલવા સેરેમની પછી આ અધિકારીઓ ન તો તેમના ઘરે જઈ શકે છે કે ન તો પરિવારના કોઈ સભ્ય સાથે વાત કરી શકે છે.
બજેટ પહેલાં હલવા સેરેમનીનું મહત્વ
એવો સવાલ થાય કે બજેટ પહેલાં આ હલવા સેરેમની આટલો ખાસ કેમ છે? હકીકતમાં, નાણા મંત્રાલયમાં હલવા સમારોહની સાથે જ બજેટ દસ્તાવેજને આખરી ઓપ આપવાનું અને તેને છાપવાનું કામ શરૂ થાય છે. બજેટ ભારત સરકારનો ખૂબ જ મહત્વપૂર્ણ અને ગુપ્ત દસ્તાવેજ હોવાથી તેની ગુપ્તતા જાળવવી ખૂબ જરૂરી છે. આ માટે બજેટની પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓને બજેટ રજૂ થાય ત્યાં સુધી નાણા મંત્રાલયમાં જ રાખવામાં આવે છે.
આ પહેલાં, તમામ લોકો ખુશીથી હલવા સમારોહમાં ભાગ લે છે. આ ખાસ અવસર પર નાણામંત્રી પોતે પોતાના હાથે પોતાના સ્ટાફ અને મંત્રાલયના અધિકારીઓને હલવો વહેંચે છે. આ સમારોહ પછી ખુદ નાણામંત્રીએ પણ કડક દેખરેખમાં રહેવું પડે છે અને અત્યંત જરૂરી હોય ત્યારે જ તેઓ મંત્રાલયની બહાર જઈ શકે છે. બહાર જવા પર પણ તેઓએ ફોન કોલ્સ અને અન્ય પ્રકારની ચકાસણીમાંથી પસાર થવું પડે છે.
હલવા સેરેમનીમાં કોણ હાજર હતું
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના કાર્યકાળ દરમિયાન ચાર પૂર્ણ બજેટ અને બે વચગાળાના બજેટ રજૂ કર્યા છે. આ વખતે પણ તેઓ સામાન્ય બજેટ 2025 પેપરલેસ એટલે કે ટેબલેટ દ્વારા રજૂ કરશે. હલવા સમારોહમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી, નાણા સચિવ તુહિન કાંત પાંડે અને આર્થિક બાબતોના સચિવ અજય સેઠ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો...
બજેટ ૨૦૨૫: કરદાતાઓ માટે ખુશખબર? ૧૦ લાખ સુધીની આવક કરમુક્ત અને ૨૫% નો નવો ટેક્સ સ્લેબ આવી શકે છે