Bullet Train Project In India : દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદાજિત કિંમત વધી છે. વર્ષ 2015માં કરાયેલા સર્વે મુજબ મુંબઈ-અમદાવાદ રૂટ પર પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવામાં આશરે રૂ.1.08 લાખ કરોડનો ખર્ચ થવાનો અંદાજ હતો. આ અંદાજિત ખર્ચ વધીને 1.60 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. જોકે, આમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નો સમાવેશ કરવામાં આવ્યો નથી.
શું કહ્યું રેલ્વે મંત્રીએ?
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જૂનમાં પ્રોજેક્ટની સમીક્ષા કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે પ્રોજેક્ટની કિંમત વધી શકે છે. તેમણે આ વાત ગુજરાતના સુરતમાં કહી હતી.
બાંધકામ ખર્ચાળ છે
અહેવાલ મુજબ જમીન સંપાદનમાં અંદાજિત કરતાં વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. સિમેન્ટ, સ્ટીલ અને લોખંડ વગેરે જેવી બાંધકામ સામગ્રીની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) કહે છે કે પ્રોજેક્ટ માટે નવી કિંમતની માહિતી હજુ આપી શકાતી નથી. જમીન સંપાદનની કામગીરી અને તમામ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ જ તેની જાહેરાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોવિડ-19 મહામારીના કારણે હાઈ-સ્પીડ રેલનું કામ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
પ્રોજેક્ટમાં વિલંબનું કારણ
સપ્ટેમ્બર 2017માં શરૂ થયેલા આ 508 કિલોમીટર લાંબા પ્રોજેક્ટને પૂર્ણ કરવાની પ્રારંભિક સમયમર્યાદા 2022 હતી. માત્ર દાદરા અને નગર હવેલીમાં જ અત્યાર સુધી 100 ટકા જમીન સંપાદન કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ માટે ગુજરાતમાં જમીન સંપાદનનું 98.9% અને મહારાષ્ટ્રમાં 73% કામ પૂર્ણ થઈ ગયું છે. કેન્દ્ર સરકારે કહ્યું કે મહારાષ્ટ્રમાં જમીન સંપાદન થઈ રહ્યું છે અને આ પ્રોજેક્ટમાં વિલંબનું મુખ્ય કારણ છે.