GST 2.0 impact on real estate: ભારત સરકાર દ્વારા આગામી સમયમાં GST માળખામાં મોટા ફેરફારો લાવવાની તૈયારી ચાલી રહી છે, જેને 'GST 2.0' નામ આપવામાં આવ્યું છે. આ નવી સિસ્ટમ હેઠળ, વર્તમાન 4 ટેક્સ સ્લેબને ઘટાડીને માત્ર 2 મુખ્ય સ્લેબ (5% અને 18%) રાખવાનો પ્રસ્તાવ છે. નિષ્ણાતો માને છે કે આ સુધારાથી ખાસ કરીને રિયલ એસ્ટેટ ક્ષેત્રને મોટો લાભ થશે, જેના પરિણામે ઘર ખરીદવું મધ્યમ વર્ગ માટે વધુ પોસાય તેમ બનશે અને ₹7.5 લાખ સુધીની બચત થઈ શકે છે.

કેન્દ્ર સરકારના પ્રસ્તાવ મુજબ, GST ના 5%, 12%, 18% અને 28% ના વર્તમાન ચાર સ્લેબને ઘટાડીને બે મુખ્ય સ્લેબ 5% અને 18% માં સમાવી લેવામાં આવશે. આ ફેરફારથી સિમેન્ટ, સ્ટીલ અને ટાઇલ્સ જેવી બાંધકામ સામગ્રી પર લાગતા ઊંચા ટેક્સમાં ઘટાડો થશે. હાલમાં સિમેન્ટ પર 28%, સ્ટીલ પર 18% અને પેઇન્ટ પર 28% જેટલો ટેક્સ લાગે છે, જે 18% ના સ્લેબમાં આવતા ઘરની કુલ કિંમતમાં ઘટાડો કરી શકે છે. આનાથી મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને ₹1.5 લાખથી લઈને ₹7.5 લાખ સુધીની બચત થઈ શકે છે. આ પ્રસ્તાવને 3-4 સપ્ટેમ્બરના રોજ યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં મંજૂરી મળવાની સંભાવના છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રને કઈ રીતે ફાયદો થશે?

આ સુધારાનો સૌથી મોટો લાભ રિયલ એસ્ટેટ સેક્ટરને થવાની સંભાવના છે. હાલમાં, બાંધકામ સામગ્રી જેવી કે સિમેન્ટ, સ્ટીલ, ટાઇલ્સ અને પેઇન્ટ પર ઊંચા દરે ટેક્સ વસૂલવામાં આવે છે.

  • સિમેન્ટ પર 28%
  • સ્ટીલ પર 18%
  • પેઇન્ટ પર 28%
  • ટાઇલ્સ પર 18%

જો આ તમામ વસ્તુઓ 18% ના એક જ સ્લેબ હેઠળ આવી જાય તો બાંધકામ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. ઉદાહરણ તરીકે, જો બાંધકામ ખર્ચમાં ઘટાડો થવાને કારણે ફ્લેટની કિંમતમાં પ્રતિ ચોરસ ફૂટ ₹150 નો ઘટાડો થાય, તો 1,000 ચોરસ ફૂટના એપાર્ટમેન્ટ પર સીધી ₹1.5 લાખની બચત થઈ શકે છે. નિષ્ણાતોના અંદાજ મુજબ, આનાથી મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને ₹1.5 લાખથી ₹7.5 લાખ સુધીની બચતનો ફાયદો મળી શકે છે.

ઇનપુટ ટેક્સ ક્રેડિટનો મુદ્દો

વર્ષ 2019 થી, રિયલ એસ્ટેટ ડેવલપર્સને બાંધકામ સામગ્રી પર ચૂકવેલા GST (18-28%) માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો લાભ મળતો નથી. આનો અર્થ એ છે કે, આ ખર્ચ સીધો ઘરની અંતિમ કિંમતમાં ઉમેરાય છે. નવી GST વ્યવસ્થામાં જો ITC ની જોગવાઈ ફરી શરૂ કરવામાં આવે તો ડેવલપર્સ માટે પણ ટેક્સનો બોજ ઘટશે, જેનો ફાયદો તેઓ ગ્રાહકોને આપી શકશે.

વર્તમાન GST માળખું

  • ₹45 લાખથી વધુના બાંધકામ હેઠળના ફ્લેટ પર 5% GST.
  • ₹45 લાખ સુધીના પોસાય તેવા મકાનો પર 1% GST.
  • તૈયાર મકાનો (રેડી-ટુ-મૂવ) પર કોઈ GST લાગતો નથી.