Byju's Work From Home: એડટેક કંપની બાયજુએ મોટો નિર્ણય લીધો છે અને દેશભરમાં તેની તમામ ઓફિસો બંધ કરી દીધી છે. તમામ કર્મચારીઓને ફરજિયાત ઘરેથી કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. માહિતી અનુસાર, બાયજુએ લગભગ 300 બાયજુ ટ્યુશન સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ સિવાય તમામ કર્મચારીઓને અનિશ્ચિત સમય માટે વર્ક ફ્રોમ હોમ કરવાનું કહ્યું છે. કંપનીએ આ નિર્ણય બાયજુસ ઈન્ડિયાના સીઈઓ અર્જુન મોહનની રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ લીધો છે.


રોકાણકારો સાથે વિવાદમાં ફસાયેલી કંપની તેના લગભગ 20 હજાર કર્મચારીઓને પગાર આપવામાં નિષ્ફળ રહી હતી. આ પછી ખર્ચમાં કાપ મુકવાના કારણે બાયજુએ આ મોટું પગલું ભર્યું છે. બાયજુએ તેના IBC નોલેજ પાર્ક, બેંગલુરુમાં સ્થિત હેડક્વાર્ટર સિવાય દેશભરમાં તેની તમામ ઓફિસો બંધ કરી દીધી છે.


મળતી માહિતી મુજબ, તમામ કર્મચારીઓને આગામી આદેશ સુધી ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે. માત્ર બાયજુના ટ્યુશન સેન્ટરો જ ચાલુ રહેશે. તેનાથી કંપનીને ઘણા પૈસા બચાવવામાં મદદ મળશે.


અગાઉ બાયજુના સ્થાપક અને સીઈઓ બાયજુ રવિન્દ્રને કર્મચારીઓને વચન આપ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાનો તેમનો પગાર 10 માર્ચ સુધીમાં આવી જશે. પરંતુ કંપની પગાર ચૂકવવામાં નિષ્ફળ રહી હતી. કંપનીએ રવિવારે દાવો કર્યો હતો કે તેણે તમામ કર્મચારીઓને આંશિક ચુકવણી કરી દીધી છે. કંપની મેનેજમેન્ટે પત્ર લખીને બાકી પગાર ચૂકવવા માટે કર્મચારીઓ પાસે વધુ સમય માંગ્યો છે.


નોંધનીય છે કે તાજેતરમાં જ દેણામાં ડૂબેલી એડટેક કંપની બાયજુ(Byju's)માંથી ફાઉન્ડર અને સીઈઓ બાયજુ રવિન્દ્રનને  હટાવી દેવામાં આવ્યા હતા.  બાયજુ રવિન્દ્રન ઉપરાંત કંપનીના શેરધારકોએ શુક્રવારે તેમના પરિવારના સભ્યોને પણ બહારનો રસ્તો બતાવ્યો હતો. બાયજુ રવિન્દ્રનના પરિવારે આ મતદાનને ગેરકાયદે ગણાવ્યું છે.


કંપનીની EGMમાં લેવાયો નિર્ણય 


પીટીઆઈએ બાયજુની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડના શેરધારકો પ્રોસસ (Prosus)ને ટાંકીને કહ્યું કે બાયજુ રવિન્દ્રન અને તેના પરિવારને કંપની સાથે ગેરવહીવટ કરવા બદલ દૂર કરવામાં આવ્યા છે. કંપનીની EGM (Extraordinary General Meeting) માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બાયજુ રવિન્દ્રન અને તેમનો પરિવાર આ બેઠકમાં હાજર રહ્યો ન હતો. તેમણે EGMને ગેરકાયદેસર જાહેર કરી છે.