નવી દિલ્હીઃ ઘણી વખત એવું બને છે કે તમે ઘરેથી રૂપિયા ઉપાડવા માટે ATMમાં જાવ છો પરંતુ ત્યાં ગયા પછી યાદ આવે છે કે તમે એટીએમ કાર્ડ લાવવાનું ભૂલી ગયા છો. પરંતુ ટૂંક સમયમાં જ આરબીઆઈ એક એવી સેવા શરૂ કરવા જઈ રહી છે જેમાં તમે કાર્ડ વગર એટીએમમાંથી સરળતાથી પૈસા ઉપાડી શકશો.


જે રીતે યુપીઆઈએ દેશમાં કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવામાં તેની ઉપયોગીતા સાબિત કરી છે. હજી સુધી અન્ય કોઈ વિકલ્પ તે કરી શક્યો નથી. જેને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક UPI પર આધારિત સેવા શરૂ કરવા જઈ રહી છે જેમાં તમે કાર્ડ વિના ATMમાંથી પૈસા ઉપાડી શકશો.


આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે બેંકોને તેમના એટીએમ નેટવર્કને કાર્ડ-લેસ કેશ વિડ્રોઅલ સિસ્ટમ સાથે બદલવા માટે કહેવામાં આવ્યું છે. આ સિસ્ટમમાં ટ્રાન્જેક્શન દરમિયાન UPI દ્વારા ગ્રાહકોની ઓળખ સુનિશ્ચિત કરવામાં આવશે. આ સિસ્ટમ ઇન્ટરઓપરેબલ હશે.


ATMથી થતી છેતરપિંડી અટકશે


આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ સેવા ગ્રાહકોની સુવિધામાં વધારો કરશે. તેમજ એટીએમથી થતી ​​છેતરપિંડીના બનાવો પણ ઓછા થશે. આ માટે ખૂબ જ ટૂંક સમયમાં RBI દ્વારા NPCI, ATM નેટવર્ક અને બેંકોને વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.


હાલમાં દેશની કેટલીક બેંકો કાર્ડ વિના રોકડ ઉપાડવાની સુવિધા આપે છે. ICICI બેંક અને HDFC બેંક તેમાં સૌથી આગળ છે. પરંતુ બેન્કોની આ સર્વિસ હાલમાં ફક્ત ઓન-એન્ડ ઓન બેઝ પર મળે છે. જેમાં એક બેન્કના ગ્રાહક પોતાની જ બેન્કના એટીએમ મશીનથી  આ સર્વિસનો લાભ ઉઠાવી શકે છે. પરંતુ હવે આરબીઆઇ આ સર્વિસને યુપીઆઇ આધારિત બનાવીને ઇન્ટરઓપરેબલ  બનાવવા માંગે છે. તેનો અર્થ એ થયો કે તમે ભલે એસબીઆઇના ગ્રાહક હોવ પરંતુ એચડીએફસી બેન્કના એટીએમમાંથી પણ કાર્ડ વિના રૂપિયા ઉપાડી શકશો.