Central Government Debt Update: ભારત સરકાર પર દેવાનો બોજો સતત વધતો જઈ રહ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષ 2024 25ના બજેટ અંદાજના આંકડાને જોડી લઈએ તો સાત વર્ષમાં ભારત સરકાર પર બાકી દેવું બમણું થવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2018-19માં કેન્દ્ર સરકાર પર 93.26 લાખ કરોડ રૂપિયાનો દેવાનો બોજો હતો જે 2024-25માં બજેટ અંદાજો મુજબ 185.27 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે જે દેશની જીડીપીના 56.8 ટકા છે. લોકસભામાં સરકારે લેખિતમાં આ જવાબ આપ્યો છે.


7 વર્ષમાં સરકાર પર વધ્યો દેવાનો બોજો


લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સાંસદ ખલીલુર રહેમાને નાણાં મંત્રીને સવાલ કરી છેલ્લા છ વર્ષ દરમિયાન સરકાર પર બાકી લોનની વિગતો માંગી. તેમણે નાણાં મંત્રીને પૂછ્યું કે શું ભારત સરકાર પર બાકી દેવામાં વધારો થયો છે? આ પ્રશ્નનો લેખિત જવાબ આપતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ છેલ્લા સાત નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર પર બાકી દેવાની વિગતો આપતા જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન સરકાર પર કુલ 93.26 લાખ કરોડ રૂપિયાનું દેવું બાકી હતું જે જીડીપીના 49.3 ટકા હતું.


2020 21માં GDP ના 61.4% હતું દેવું


નાણાં રાજ્યમંત્રી મુજબ 2019-20માં સરકાર પર દેવાનો બોજો વધીને 105.07 લાખ કરોડ રૂપિયા થઈ ગયો જે જીડીપીના 52.3 ટકા હતો. નાણાકીય વર્ષ 2020-21માં જ્યારે દેશમાં કોરોનાએ દસ્તક આપી તે વર્ષે સરકાર પર બાકી દેવું વધીને 121.86 લાખ કરોડ રૂપિયા થઈ ગયું અને કુલ દેવું જીડીપીના 61.4 ટકા થઈ ગયું. નાણાં રાજ્યમંત્રીના મતે આવું કોવિડ મહામારીને કારણે થયું. નાણાકીય વર્ષ 2021-22માં કેન્દ્ર સરકાર પર બાકી દેવું વધીને 138.66 લાખ કરોડ રૂપિયા થઈ ગયું જે જીડીપીના 58.8 ટકા હતું. નાણાકીય વર્ષ 2022-23માં જ્યારે વૈશ્વિક તણાવ વધ્યો તે વર્ષે કેન્દ્ર સરકાર પર બાકી દેવાનો બોજો 156.13 લાખ કરોડ રૂપિયા થઈ ગયો જે જીડીપીના 57.9 ટકા રહ્યો હતો.


7 વર્ષમાં 98.65 ટકા વધ્યો દેવાનો બોજો


નાણાં રાજ્યમંત્રીના મતે નાણાકીય વર્ષ 2023-24માં સરકાર પર બાકી દેવું વધીને 171.78 લાખ કરોડ રૂપિયા થઈ ગયું જે જીડીપીના 58.2 ટકા છે. જોકે આ હજુ કામચલાઉ આંકડા છે. વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન દેવામાં વધુ વધારો થવાનો અંદાજ છે અને તે વધીને 185.27 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે જે જીડીપીના 56.8 ટકા રહી શકે છે. આમ, છેલ્લા સાત વર્ષમાં ભારત સરકારના દેવામાં 92.01 લાખ કરોડ અથવા 98.65 ટકાનો વધારો આવ્યો છે. સરકાર પર બાકી દેવામાં બાહ્ય દેવું પણ સામેલ છે.


દેવાના બોજથી ભારત બનશે 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા!


નાણાં મંત્રીને ખલીલુર રહેમાને સવાલ કર્યો કે શું દેવાના બોજને વધારીને સરકાર ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવશે? આ પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રીએ કહ્યું, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એપ્રિલ 2024માં જારી કરાયેલા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક મુજબ ભારતનો જીડીપી નાણાકીય વર્ષ 2023 24માં 3.57 ટ્રિલિયન ડોલરનો થઈ ચૂક્યો છે.